ભારતીય મૂળના અબજોપતિ હિન્દુજા પરિવારને જેલ:રજા વિના 18 કલાક કામ, સ્ટાફ કરતાં ચાર ગણા પૈસા કૂતરા પાછળ ખર્ચતા; નોકરોના શોષણ મામલે દોષી જાહેર
ભારતીય મૂળના અબજોપતિ અને બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવારના ચાર સભ્યને શુક્રવારે (21 જૂન) સ્વિસ કોર્ટે જેલની સજા ફટકારી છે. ઉદ્યોગપતિ પ્રકાશ હિન્દુજા અને તેમનાં પત્ની કમલ હિન્દુજાને સાડાચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. દંપતીના પુત્ર અજય અને તેની પત્ની નમ્રતાને 4-4 વર્ષની સજા ફટકારવામાં આવી છે. હિંદુજા પરિવાર પર તેમના નોકરોની તસ્કરી અને શોષણનો આરોપ હતો, જેમાંથી મોટા ભાગના અભણ ભારતીયો હતા. તેઓ સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં તળાવ કિનારે સ્થિત હિન્દુજા પરિવારના વિલામાં કામ કરતા હતા. કોર્ટે તેમને ઘરેલું નોકરોનું શોષણ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો, જોકે કોર્ટે માનવ તસ્કરીના આરોપોને ફગાવી દેતાં કહ્યું કે તેમના સ્ટાફને તેઓ શું કરી રહ્યા છે એની પૂરતી સમજણ ધરાવે છે. ચુકાદા સમયે હિન્દુજા પરિવારના ચારેય સભ્યો કોર્ટમાં હાજર નહોતા. જોકે તેના મેનેજર અને 5મો આરોપી નજીબ ઝિયાજી હાજર હતા. તેમને 18 મહિનાની સજા પણ થઈ હતી. નોકરોના પાસપોર્ટ જપ્ત કરવાનો આરોપ હતો
હિંદુજા પરિવાર પર કામદારોના પાસપોર્ટ જપ્ત કરવાનો, તેમને સ્વિસ ફ્રેંકના બદલે રૂપિયામાં ચુકવણી કરવાનો, તેમને તેમના વિલામાંથી બહાર જતા અટકાવવાનો અને સ્વિટ્ઝર્લેન્ડમાં ખૂબ ઓછા પગારમાં લાંબા સમય સુધી કામ કરવાની ફરજ પાડવાનો આરોપ હતો. હિન્દુજાના વકીલોએ કહ્યું હતું કે તેઓ આ નિર્ણય સામે અપીલ કરશે. ફોર્બ્સ અનુસાર આઈટી, મીડિયા, રિયલ એસ્ટેટ અને હેલ્થ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હિન્દુજા પરિવારની સંપત્તિ 1.67 લાખ કરોડ રૂપિયા છે. કોઈપણ રજા વિના દિવસમાં 18 કલાક કામ કરે છે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, હિન્દુજા પરિવાર વિરુદ્ધ માનવ તસ્કરીના કેસમાં સોમવાર (17 જૂન)થી સ્વિટ્ઝરલેન્ડમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. પીડિતો માટે હાજર રહેલા વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે કેટલીકવાર રસોઈયા અથવા ઘરેલુ સહાયકોને ઓછી અથવા રજા વિના દિવસમાં 15થી 18 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેમનો પગાર સ્વિસ કાયદા હેઠળ નિર્ધારિત રકમના દસમા ભાગ કરતાં ઓછો હતો. સ્ટાફ રિસેપ્શનમાં મોડે સુધી કામ કરતો અને ક્યારેક વિલાના ભોંયરામાં ફ્લોર પર ગાદલાં પર સૂતો. હિંદુજા પરિવારની જરૂરિયાત મુજબ, તે દરેક સમયે હાજર રહે એ જરૂરી હતું. વકીલે કમલ હિન્દુજા દ્વારા સર્જાયેલા ભયના વાતાવરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોકરો કરતાં ચાર ગણા પૈસા કૂતરા પાછળ ખર્ચતા
સરકારી વકીલ યવેસ બર્ટોસાએ કોર્ટને કહ્યું હતું કે હિન્દુજા પરિવાર નોકર કરતાં તેમના કૂતરા પર વધુ ખર્ચ કરે છે. સ્ટાફને રોજના રૂ. 654 એટલે કે વાર્ષિક રૂ. 2.38 લાખ ચૂકવવામાં આવતા હતા, જ્યારે દસ્તાવેજો દર્શાવે છે કે કૂતરાના જાળવણી અને ખોરાક પાછળ વાર્ષિક રૂ. 8 લાખનો ખર્ચ થતો હતો. વકીલે કહ્યું હતું કે આ તમામ સહાયકોના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. ઘણા કર્મચારીઓ માત્ર હિન્દી બોલી શકતા હતા, તેથી તેઓ ક્યાંય જઈ શકતા ન હતા. તેમને સ્વિસ ફ્રાન્કને બદલે ભારતીય રૂપિયામાં ચૂકવવામાં આવ્યા હતા, જેથી તેઓ બહાર જઈને કોઈ ખરીદી ન કરી શકે. તેમને ન તો તેમની નોકરી છોડવાની મંજૂરી છે કે ન તો ઘરની બહાર નીકળવાની છૂટ છે. હિન્દુજા પરિવારે આરોપોને નકારી કાઢ્યા હતા
જોકે હિન્દુજા પરિવારે તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે પોતે સ્ટાફ રાખ્યો નથી. એક ભારતીય કંપની તેને નોકરી પર રાખે છે, તેથી તેમની સામે માનવ તસ્કરી અને શોષણના આરોપો ખોટા છે. આ સાથે હિન્દુજા પરિવારે દાવો કર્યો હતો કે સરકારી વકીલોએ કેસની સંપૂર્ણ સત્યતા જણાવી નથી. તેમના વિલામાં સ્ટાફ માટે ભોજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને રહેવા માટે ઘર પણ આપવામાં આવ્યું હતું. હિન્દુજા પરિવારના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમના ઘણા સ્ટાફ ભારત ગયા બાદ સ્વિટ્ઝર્લેન્ડમાં કામ પર પાછા ફર્યા છે. જો તેમને અહીં સમસ્યાનો સામનો કરવો પડ્યો હોત તો તેઓ ફરીથી અહીં કેમ કામ કરવા આવ્યા હોત. હિન્દુજા બ્રિટનમાં સૌથી અમીર છે
હિન્દુજા પરિવાર બ્રિટનથી પોતાનો બિઝનેસ ચલાવે છે. આ પરિવાર દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે. ફોર્બ્સ અનુસાર, 2023માં હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ $20 બિલિયન હતી. હિન્દુજા બ્રિટનનો સૌથી ધનિક પરિવાર છે. હિન્દુજા પરિવારના ગોપી હિન્દુજા બ્રિટનની સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ વિશ્વના ટોપ 200 ધનિકોની યાદીમાં સામેલ છે. હિન્દુજા ગ્રુપનો બિઝનેસ ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયાલિટી, ઓટો, હેલ્થકેર વગેરે ક્ષેત્રોમાં છે. હિંદુજા ગ્રુપનો પાયો 110 વર્ષ પહેલાં નખાયો હતો
હિન્દુજા ગ્રુપનો પાયો 1914માં પરમાનંદ દીપચંદ હિન્દુજાએ મુંબઈમાં નાખ્યો હતો. તેમને ચાર પુત્રો હતા. આ ચાર પુત્રોનો પરિવાર હિન્દુજા ગ્રુપનું સંચાલન કરે છે. કૌટુંબિક વ્યવસાય હાલમાં ચાર હિન્દુજા ભાઈઓ - શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક દ્વારા સંચાલિત છે. ગયા વર્ષે 17 મેના રોજ શ્રીચંદ હિન્દુજાનું અવસાન થયું હતું. હિન્દુજા ગ્રુપની ઓફિસ 1919માં ઈરાનમાં શિફ્ટ કરવામાં આવી હતી. આ પછી હિન્દુજા ગ્રુપનો બિઝનેસ ત્યાંથી 1979 સુધી ચાલુ રહ્યો. 1979માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ બાદ ત્યાંની સ્થિતિ બદલાઈ ગઈ, ત્યાર બાદ હિન્દુજા ગ્રુપને લંડન શિફ્ટ થવું પડ્યું. હિન્દુજા ગ્રુપનો બિઝનેસ લગભગ 50 દેશોમાં ફેલાયેલો છે અને એમાં 1.5 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ જૂથ ભારતમાં છ લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. બોફોર્સકૌભાંડમાં પણ નામ જોડાયું હતું
બોફોર્સકૌભાંડમાં શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશ હિન્દુજાનાં નામ પણ સામે આવ્યાં હતાં. આ કૌભાંડમાં સ્વીડનની કંપની બોફોર્સ પર 1986માં ભારત સરકારને 1.3 અબજ ડોલરની લાંચ આપવાનો આરોપ હતો. આમાં ત્રણેય ભાઈએ મદદ કરી હતી. સીબીઆઈએ ઓક્ટોબર 2000માં ત્રણેય ભાઈ સામે આ આરોપો લગાવ્યા હતા, પરંતુ 2005માં દિલ્હી કોર્ટે પુરાવાના અભાવે તેમની સામેના તમામ આરોપોને ફગાવી દીધા હતા. હિન્દુજા પરિવારનો અનોખો નિયમ
ચાર વર્ષ પહેલાં હિન્દુજા પરિવારમાં અણબનાવના સમાચાર પણ સામે આવ્યા હતા. વાસ્તવમાં તેનું કારણ 2014માં આ પરિવાર વચ્ચે થયેલો કરાર હતો. કરાર મુજબ, 'હિંદુજા ગ્રુપની સંપત્તિ પર દરેકનો અધિકાર છે અને બીજું કંઈ કોઈનું નથી.' મતલબ કે હિન્દુજા પરિવારના એક ભાઈની માલિકીની સંપત્તિ અન્ય ભાઈઓ પાસે પણ હશે. દરેક વ્યક્તિ બીજાને તેના વહીવટકર્તા તરીકે નિયુક્ત કરશે. આ કરાર પર ચારેય ભાઈઓએ હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પાછળથી હિન્દુજા પરિવારના સૌથી મોટા સભ્ય શ્રીચંદ હિન્દુજાની પુત્રીઓ આ કરારમાંથી બહાર નીકળવા માગતી હતી. આ માટે તેણે કોર્ટમાં અરજી પણ કરી હતી. શ્રીચંદ હિન્દુજાની દીકરીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના કાકાઓએ તેમને પરિવારથી અલગ કરી દીધા હતા. તેમને આર્થિક રીતે અત્યંત નબળા બનાવી દેવામાં આવ્યા છે. ે જ સમયે, શ્રીચંદ હિન્દુજાના અન્ય ભાઈઓએ આ બંને બહેનો પર તમામ સંપત્તિ હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.