અમદાવાદમાં છેલ્લા 70 દિવસમાં 4,115 માર્ગ અકસ્માતના બનાવ બન્યા - At This Time

અમદાવાદમાં છેલ્લા 70 દિવસમાં 4,115 માર્ગ અકસ્માતના બનાવ બન્યા


અમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022, બુધવારઅમદાવાદમાં ચોમાસાની સિઝનમાં માર્ગ અકસ્માતની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. તા.૯ ઓગષ્ટ સુધીના છેલ્લા ૭૦ દિવસમાં જ ૪,૧૧૫ માર્ગ અકસ્માતના બનાવ ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાયા છે. જો સરેરાશ કાઢવા જઇએ તો રોજના ૫૮ જેટલા માર્ગ અકસ્માતના બનાવ બન્યા છે ! અકસ્માતે ઘણાનો જીવ લીધો, ઇજાગ્રસ્ત કર્યા, કાયમી વિકલાંગ બનાવ્યા. આર્થિક-માનસિક રીતે પરેશાન કર્યા, વરસાદમાં માર્ગો ધોવાઇ ગયા તે પણ એક મુખ્ય કારણ અકસ્માત માટે માનવામાં આવી રહ્યું છે. જુન, જુલાઇ અને તા.૯ ઓગષ્ટ સુધીના ૯ દિવસ દરમિયાન રાજ્યની વાત કરીએ તો  ૨૪,૨૮૮  માર્ગ અકસ્માતના બનાવ ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાયા છે. તેમાંથી રાજ્યમાં સૌથી વધુ અકસ્માત અમદાવાદમાં થવા પામ્યા છે. એકબાજુ રાજ્યની સ્માર્ટસિટી, મેગાસિટી, હેરીટેજ સિટી તરીકે  અમદાવાદની ગણના થાય છે અને બીજી બાજુ માર્ગ અકસ્માતમાં રાજ્યમાં અવ્વલ   દરજ્જો ! આ વિરોધાભાસ વહિવટી તંત્રનો પોલ ખોલે છે.ચોમાસામાં વરસાદી પાણીમાં અડધુ અમદાવાદ ડુબ્યું હોય તેવા લાચારીભર્યા દ્રશ્યો આ ચોમાસામાં પણ ફરીથી જોવા મળ્યા. તંત્ર પાંચેક ઇંચ  વરસાદ સામે પણ વામણું પુરવાર થયું, તમામ સરકારી મશીનરી શોભાના ગાંઠિયા સામાન બની રહી, ચાર-પાંચ ઇંચ પડેલા વરસાદના પાણી દિવસો સુધી રોડ પર ભરાયેલા રહ્યા. ઘરવખરીને નુકશાની થઇ.હાલ સ્થિતિ એવી થઇ ગઇ છેકે મોટાભાગના તમામ રોડ તૂટી ગયા છે. મોડલ રોડ,નેશનલ હાઇવે, રિંગરોડ, એપ્રોચ રોડ, એક્સપ્રેસ વે સહિતના રોડની અવદશા જોવા મળી રહી છે. જે માર્ગ અકસ્માત માટે સૌથી મોટું કારણ બન્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. રોડ પર ભૂવા પડવા, મોટા ખાડા થઇ જવા, સર્વિસ રોડ તૂટી જવો, ખુલ્લી ગટરો, ભરાયેલા પાણી વગેરે સંજોગોમાં વાહનચાલકો ગફતલ ખાઇ ગયા, ઓવરટેક, ઓવરસ્પીડના લીધે આ અકસ્માતો થયા હતા.શહેરમાં ટુ વ્હિલર ચાલકો તૂટેલા રોડના કારણે અકસ્માતનો ભોગ વધુ બન્યા છે. કેટલાકના હાડકા ભાંગ્યા તો કેટલાકના મોત પણ થયા. આવી દુખદ સ્થિતિમાં પણ મ્યુનિ.તંત્ર દ્વારા પૂર્વ્ અમદાવાદમાં વાહનચાલકોની સલામતી માટે મોટાભાગના તૂટેલા રોડ પર પુરાણ કામ કરવામાં આવ્યું ન હોવાનું શહેરીજનોનું માનવું છે. ઝાડ પડયા, વીજ થાંભલા પડયા જેમાં પણ અનેક લોકો ઇજા પામ્યા છે.તૂટેલા રોડની કરમકઠણાઇ હજુ દુર થઇ નથી. ખાડા, ઉખડેલી કપચી, ભૂવા રોજ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. વાહનચાલકની સામાન્ય ગફલત તેના માટે મોટી મુસીબત બની રહી છે. મ્યુનિ.તંત્રનો પ્રિમોન્સુન પ્લાન પણ પોકળ, શહેરની રક્ષા કરવામાં નિષ્ફળદર વર્ષે મ્યુનિ.તંત્ર પ્રિમોન્સુન પ્લાન ઘડે છે. જે દર વર્ષે નિષ્ફળ પુરવાર થાય છે. સામાન્ય વરસાદમાં પણ શહેરીજનોના જાનમાલની સુરક્ષા કરવામાં તે અસક્ષમ રહે છે. દરેક શહેરીજન સલામતી ઇચ્છે છે, શહેરીજનો ટેક્સ ભરે છે કે જેથી કરીને શહેરના વિકાસમાં તે વપરાય અને શહેરીજનોને કોઇપણ  કુદરતી આફતમાંથી બચાવવા સક્ષમ રહે.પરંતુ અહીંયા વાસ્તવિકતા જુદી છે. ઉભરાતી ગટરો, તૂટેલા રોડ, ભરાયેલા વરસાદી પાણી, જર્જરિત મકાન તૂટી પડવા, બંધ સ્ટ્રીટલાઇટ, રોડ પર પડતા ભૂવા, હજારોની સંખ્યામાં ઝાડ પડવા સહિતના બનાવો લગભગ દર ચોમાસામા ંબને છે. પરંતુ મ્યુનિ.તંત્ર તમાશો જોઇ રહેવાથી વધારે કંઇ કરી શકતું ન હોવાની લાગણી શહેરીજનો અનુભવી રહ્યા છે.અમદાવાદમાં માર્ગ અકસ્માતના બનાવ, ઇમરજન્સી સેવા 108માં નોંધાયેલા

માસ

કેસ

રોજના સરેરાશ

જુન

૧,૯૫૩

૬૫

જુલાઇ

૧,૬૮૮

૫૫

૯ ઓગષ્ટ

૪૭૪

૫૩

કુલ

૪,૧૧૫

૫૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.