લેન્‍ડ ગ્રેબીંગના બે ગુનાઃ મહાદેવવાડી અને જલારામ સોસાયટીમાં ભાડૂઆતોએ મકાન પચાવી પાડયા - At This Time

લેન્‍ડ ગ્રેબીંગના બે ગુનાઃ મહાદેવવાડી અને જલારામ સોસાયટીમાં ભાડૂઆતોએ મકાન પચાવી પાડયા


શહેરમાં લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં લક્ષ્મીનગર મહાદેવવાડીમાં રહેતાં ભાડૂઆતે મકાન પચાવી પાડી ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કરી દેતાં ત્રણ જણા સામે ગુનો નોંધાયો છે. જ્‍યારે દોઢસો ફુટ રીંગ રોડ પર જલારામ સોસાયટીમાં આવેલુ દિલ્‍હીના વેપારીનું મકાન પોરબંદરના શખ્‍સે ભાડેથી મેળવ્‍યા બાદ કબ્‍જો જમાવી વેપારીને ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
એંસી ફુટ રોડ પર માસ્‍તર સોસાયટી-૧માં રહેતાં રંજનબેન રામજીભાઇ વઘાસીયા (ઉ.વ.૪૯)એ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે લક્ષ્મીનગર રોડ ફિલ્‍ડ માર્શલ વાડીની સામે શાળા નં. ૪૭ની બાજુમાં મેસર્સ નિયંતા ફાર્મા નામે પેઢીની ઓફિસમાં પહેલા માળે બેસતાં પ્રફુલ તુલસીભાઇ જોષી, રૈયા રોડ મીરાનગર પાછળ શિવ પાર્ક-૨માં રહેતાં હિરેન જયંતિભાઇ કોટક અને ધાર્મી હિરેનભાઇ કોટકના નામ આપ્‍યા છે.
ફરિયાદીની માલિકનું મકાન લક્ષ્મીનગર રોડ મહાદેવ વાડીમાં ૨૫૦ ચો.વાર જમીન પર બે માળના બિલ્‍ડીંગમાં છે. રંજનબેને જણાવ્‍યું છે કે ૨૦૧૯માં અમે આ મકાન હસમુખભાઇ પાદરીયા પાસેથી ખરીદ કર્યુ હતું. હસમુખભાઇએ મકાન વેંચ્‍યુ ત્‍યારે બિલ્‍ડીંગનો ૧૧ માસનો ભાડા કરાર પ્રફુલ જોષી, હિરેન કોટક અને ધાર્મી કોટક સાથે થયો હતો. પરંતુ આ ત્રણેય પાસે બિલ્‍ડીંગનો કબ્‍જો નહોતો. એ પછી અમે મકાન ખરીદ કરતાં આ ત્રણેયએ ભાડા કરાર પુરો થયે કબ્‍જો સોંપી દેશે તેવી વાત કરી હતી. પણ એ પછી અમારી જાણ બહાર મેસર્સ નિયંતા ફાર્મા પેઢીનો સામાન આ બિલ્‍ડીંગમાં રાખી ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કરી દીધો હતો. ત્‍યારબાદ અનેક વખત રજૂઆત કરવા છતાં બિલ્‍ડીંગ ખાલી કરી નહોતી. આ મામલે લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પીઆઇ આઇ. એન. સાવલીયાએ ગુનો નોંધ્‍યો છે.
બીજા બનાવમાં દોઢસો ફુટ રીંગ રોડ પર જલારામ સોસાયટીમાં આવેલુ દિલ્‍હીના વેપારીનું મકાન ભાડૂઆતે પચાવી પાડયાની ફરિયાદ થઇ છે. દિલ્‍હીની કાલીન્‍દી કોલોનીમાં રહેતાં અને એનટીસી ગોલ્‍ડન ફોરવર્ડ નામે વેપાર કરતાં તુષારભાઇ મનસુખભાઇ ઘેટીયા (ઉ.૬૧)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે પોરબંદરની મધુવન સોસાયટી જલારામ-૨ સામે રહેતાં અરજણ ભીમાભાઇ આગઠનું નામ આપ્‍યું છે.
તુષારભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે ૨૦૨૧માં અરજણ અગાઠને માસિક રૂા. ૧૩ હજારના ભાડે અગિયાર મહિનાના કરારથી મકાન આપ્‍યું હતું. અરજણ ભાડુ પણ કટકે કટકે આપતો હતો અને આઠ મહિના ભાડુ આપ્‍યા બાદ ભાડુ આપવાનું બંધ કરી દીધું હતું. દિલ્‍હીથી તુષારભાઇ ભાડાની ઉઘરાણી કરે તો અરજણ ચેક મોકલતો હતો. પરંતુ તે ચેક રિટર્ન થતાં હતાં. થોડા દિવસ પહેલા તુષારભાઇએ રાજકોટ આવી અરજણને રૂબરૂ મળી મકાન ખાલી કરવાનું કહેતાં તેણે ‘આ તમારુ મકાન હવે ભુલી જજો, હવે આ મકાને આવ્‍યા તો જીવતા નહિ જવા દઉ' તેવી ધમકી આપી મકાન પચાવી પાડતાં લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટ હેઠળ ગુનો નોંધાતા એસીપી ભાર્ગવ પંડયાએ તપાસ શરૂ કરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.