ગુજરાત એટીએસએ નશાનો કાળો કારોબાર ઝડપ્યો, ફેક્ટરીમાંથી 1,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
વડોદરાના સાવલી પાસેથી ગુજરાત એટીએસ દ્વારા નશાનો કાળો કારોબાર ઝડપાયો છે. સાવલી મોક્ષી ગામ પાસે કેમિકલ ફેક્ટરીની આડમાં અંદાજિત 1000 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. બાતમી મળતા એટીએસ અને એસઓજીએ સંયુક્ત દરોડા પાડ્યા હતા જ્યાં તેમને દરોડા પાડતા મોક્ષી ગામે 200 કિલો જેટલું ડ્રગ્સ હાથ લાગ્યું હતું.
ડ્રગ્સના કાળાકારોબારના એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સરહદ પર તો ડ્રગ્સ ઝડપાઈ જ રહ્યું છે પરંતુ તેની સાથે સાથે આ પ્રકારે ચાલતા નશાના કારોબારનો પણ પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. મોક્ષી ગામે નેક્ટરકેમ નામની કંપનીમાંથી આ ડ્રગ્સ મળી આવતા અનેક શંકાઓ કુશંકાઓ સેવવામાં આવી રહી છે કેમ કે,આ પ્રકારે ફેક્ટરીમાં ડ્રગ્સ કેટલા સમયથી હેરફેર થતું હતું, આ પાછળ કોનો હાથ છે વગેરેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.
એ.ટી.એસના ઉચ્ચ અધિકારીઓ, એફ.એસ.એલ, પોલીસની બ્રાંચો, મામલતદાર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જેથી આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ડ્રગ્સ મામલે ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રગ્સ પેડલરો ગુજરાતની સરહદથી ઝડપાયા છે ત્યારે શહેરોમાં પણ ડ્રગ્સના કાળાકારોબાર સામે હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.