ટી.વી. સ્વામીની ધરપકડ સામે સ્ટે; ફરિયાદી 28 વર્ષથી હરિપ્રસાદ સ્વામીના પી.એ. હતા તો આટલા વર્ષ શા માટે મૂંગા બેસી રહ્યાની વકીલની દલીલ - At This Time

ટી.વી. સ્વામીની ધરપકડ સામે સ્ટે; ફરિયાદી 28 વર્ષથી હરિપ્રસાદ સ્વામીના પી.એ. હતા તો આટલા વર્ષ શા માટે મૂંગા બેસી રહ્યાની વકીલની દલીલ


આત્મીય વિદ્યાધામના ત્યાગવલ્લભદાસ સહિતનાઓ સામે રૂ.33.36 કરોડની ઉચાપત અંગેની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ સામે એફઆઇઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં હાઇકોર્ટે ટી.વી. સ્વામીની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. આણંદના વિદ્યાનગરના બાકરોલમાં રહેતા અને આત્મીય વિદ્યાધામમાં રહેતા પવિત્ર હર્ષદરાય જાનીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ધર્મેશ રમેશચંદ્ર જીવાણી, વૈશાખી ધર્મેશ જીવાણી, નિલેશ બટુક મકવાણા, સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી તથા વહીવટકર્તા (ત્યાગવલ્લભદાસ અને સમીર કૌશિક વૈદ્ય)ના નામ આપ્યા હતા.

પવિત્ર જાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ સર્વોદય કેળવણી સમાજ નામના ટ્રસ્ટ સાથે આરોપીઓની ઇન્ફિનિટી વર્કસ ઓમની ચેનલ પ્રા.લિ. કંપનીમાં ડમી કરાર કરી કરાર આધારિત કોઇ સેવા પૂરી પાડી ન હોય રૂ.3.36 કરોડની છેતરપિંડી તેમજ સર્વોદય કેળવણી સમાજ સંચાલિત સંસ્થાઓમાં ભૂતિયા કર્મચારીઓ ઊભા કરી રૂ.30 કરોડની ઉચાપત કરી હતી.

ઉપરોક્ત ગુનો નોંધાયા બાદ ત્યાગવલ્લભદાસએ એફઆઇઆર રદ કરવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા તે તા.1ને શનિવારે સુનાવણી પર આવતાં ટી.વી.સ્વામી તરફથી વકીલોએ રજૂઆત કરી હતી કે, એફઆઇઆર માત્ર કાયદાનો દુરુપયોગ સિવાય બીજું કશું જ નથી, જે ઇસ્યૂ ચેરિટી કમિશનરમાં ન્યાયિક નિર્ણયાધીન છે તેજ મુદ્દાની ફરિયાદ અપાઇ છે, બીજું ફરિયાદીએ પોતાને હરિપ્રસાદ સ્વામીના પી.એ. તરીકે 28 વર્ષથી હોવાની વાત કરી હતી તો અત્યાર સુધી કેમ વાંધો ઉઠાવ્યો નહીં, હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ જ તેમણે શા માટે ફરિયાદ કરી સહિતની દલીલો કરી હતી. તમામ પક્ષોની રજૂઆતો પરથી હાઇકોર્ટે ટી.વી. સ્વામીની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.