પેલેસ રોડ પર રારા જવેલર્સ શોરૂમના સીકયુરીટીમેન પર નશાખોર શખ્સનો હીંચકારો હુમલો
પેલેસ રોડ પર આવેલ રારા જવેલર્સના સીકયુરીટીમેનને કચરો નાખવા મામલે નશાખોર શખ્સ રીંધમ સોનીએ ડખ્ખો કરી ખીલીવાળુ પાટીયું ઝીંકી દેતા લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ આરોપીને પણ પકડી મેથીપાક ચખાડયો હતો. બનાવમાં ઈજાગ્રસ્ત સીકયુરીટીમેનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે એ ડીવીઝને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જામનગર રોડ પર પરસાણાનગરની બાજુમાં ચાંદની ચોક પાસે રહેતા યુનુસભાઈ અબ્દુલભાઈ દલવાણી (ઉ.45)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રીંધમ સોનીનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ શ્રી રાજ સીકયુરીટીમાં રારા જવેલર્સ શોરૂમમાં નાઈટ ડયુટીમાં નોકરી કરે છે.
ગઈ તા.13/6ના રાત્રીના સમયે તેઓ રારા જવેલર્સ શોરૂમમાં નાઈટ ડયુટી પર હાજર હતા ત્યારે રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ જવેલર્સની દુકાને રીંધમ સોની નામનો શખ્સ આવેલો અને કહેલ કે કાલે હું કચરો મુકવા આવેલ તો મને કેમ કચરો મુકવા ન દીધો અને મને ભગાડી દીધેલ હતો. તેમ કહી ગાળો આપવા લાગતા ફરીયાદીએ ફડાકા ઝીંકી અહીંથી ચાલ્યો જા તેમ કહેતા આરોપી બાજુની શેરીમાં ચાલતા મકાન બાંધકામના કામ પરથી ખીલીવાળો ધોકો લઈ આવી હુમલો કરી દીધો હતો. જેમાં ફરીયાદીને મોઢામાં અને કાનના ભાગમાં ઈજા પહોંચતા લોહીલોહાણ થઈ ગયો હતો.
બાદમાં ઈજાગ્રસ્ત સીકયુરીટી મેનને 108 મારફતે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વધુમાં ઈજાગ્રસ્તના સબંધીએ જણાવ્યું હતું કે આરોપી નશાની હાલતમાં હતો અને અગાઉ પણ અનેક વખત માથાકૂટ કરેલ છે. ગઈ રાતે યુનુસભાઈને માર માર્યા બાદ ત્યાંના લોકો અને અન્ય સીકયુરીટીમેને આરોપીને પકડી મેથીપાક ચખાડયો હતો. બાદમાં તેને પણ સારવારમાં ખસેડાયા બાદ તે હોસ્પીટલેથી નાસી છુટયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.