પુત્રીના જન્મ બાદ સામસામા થયેલ લગ્નમાં ખટાશ આવતાં યુવાન પર સસરા અને સાળાનો હુમલો
રૈયાગામમાં માવતરે રહેતી પત્ની પાસે રહેલ પુત્રીને મળવા આવેલ ભરવાડ યુવક પર તેના સસરા અને સાળા સહિતના ચાર શખ્સોએ છરી અને લાકડીથી હુમલો કર્યો હતો. યુવકને બચાવવા વચ્ચે પડેલ તેના ભાઈને પણ ફટકારતાં બંનેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકીની પાછળ મારૂતિનગર શેરી નં.6 માં રહેતાં દિગંત ઉર્ફે જગદીશ નારણભાઈ ચાવડીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમ હેમંત ટોયટા, હેમંત કરણા ટોયટા, દલા કરણા ટોયટા, કાના દલા ટોયટા (રહે.તમામ રૈયાગામ શેરી નં.8, જૂનો ભરવાડ વાસ) નું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ 323,324,504,114 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઓન લાઇન કુરીયર સર્વીસમાં નોકરી કરે છે. તેઓ બે ભાઈ-એક બહેનમાં મોટો છે. તેમના તેમજ તેમની બહેનના લગ્ન સામસામા થયેલ હતાં.
જેમાં તેમની બહેન કિંજલબેનના લગ્ન વિકમ ટોયટા સાથે અને તેમના લગ્ન વિક્રમની બહેન રૂપલ સાથે થયેલ હતાં. તેઓને સંતાનમાં એક માસની પુત્રી છે. દરમિયાન બન્ને ભાઈ-બહેન ને સામ-સામે સગપણ હોય જેથી મનમેળ ન આવતા તેમના સસરા હેમંતભાઈ ફરિયાદીની પત્નીને ગઈ તા.24 ના તેડી ગયેલ હતા અને એક માસની પુત્રીને ઘરે જ રાખેલ હતી. ત્યારબાદ ગઈ તા.28 ના તેની પત્ની 181 ગાડી સાથે તેમના ઘરે આવેલ અન આરાધનાને સોંપી પુત્રીને આપેલ હતી. બાદમાં તેમને તેના સસરાને ફોનથી જાણ કરતા તેને એક માસની પુત્રીને રાખવાની ના પાડતા 181 મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જતા રહેલ હતા.
વધુમાં ફરિયાદીએ ઉમેર્યું કે, મારો સાળો વિકમ મારી પત્ની તથા દીકરીને તેમની સાથે તેમના ઘરે લઈ ગયેલ હતો. ગઈકાલે હું તથા મારી માતા કિશોરીબેન એકટીવા લઈને રૈયાગામમાં રહેતા પિતરાઈ મેરૂભાઈ ચાવડીયાના ઘરે ગયેલ હતા, તે મકાનની પાછળ રહેતાં સસરાની ઘરે મારી પુત્રીને રમાડવા માટે ગયેલ હતો. બાદમાં ત્યાંથી મારી પુત્રીને લઈ પિતરાઈના ઘરે આવેલ હતો. ત્યારે મારા બનેવી વિક્ર્મ પાછળ-પાછળ આવેલ અને મારી માતાને કહેલ કે, તમે અહીં શું કરવા આવેલ છો? તેમ કહી ઝઘડો કરી ગાળો બોલવા લાગેલ અને તેના પિતા હેમંત ટોયટા અને તેનો ભાઈ દલો ટોયટા, કાનો ટોયટાને બોલાવી અને ઢીકાપાટુંનો માર મારવા લાગેલ હતાં.
જેથી મારા ભાઈ પારસ તથા પિતરાઈ ભાઈ મોતીભાઇ ચાવડીયાને ફોન કરતાં બંને આવી ગયેલ જેથી ચારેય શખ્સો ઉશ્કેરાઇ જઈ માથાફુટ કરી વિક્રમે મારા માતાને ઢીકાપાટુનો માર મારવા લાગેલ. તેમને છોડાવવા વચ્ચે પડેલ મારા ભાઈઓને પણ મારમાર્યો હતો. તેમજ વિકમે છરીથી મારા ભાઈ પારસને માથાના પાછળના ભાગે એક છરકો મારી દિધેલ હતો દરમિયાન તેમના સંબંધી છોડાવવા વચ્ચે પડી બે આરોપીને ધક્કો મારી પાડી દેતાં વિક્રમને પગમાં છરીનો છરકો પડી ગયેલ હતો. તેમજ મારા સસરા હેમંતભાઈ લાકડી વડે મને તથા મારા ભાઈ પારસને ઢીકાપાટુનો ફટકારવા લાગેલ હતાં. બાદમાં 100 નંબરને ફોન કરેલ અને મારા ભાઈ પારસને માથામાથી લોહી નીકળતુ હોય જેથી 108 મારફતે બંને ભાઈઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.આર.ભરવાડ અને ટીમે આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.