સાબરકાંઠા જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ના સૂત્ર સાથે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ*
*સાબરકાંઠા જિલ્લામાં 'એક તારીખ, એક કલાક'ના સૂત્ર સાથે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ*
---------
*જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે દીવ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો*
---------
*શ્રમદાનના કાર્યક્ર્મમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વહિવટીતંત્ર અને નગરપાલિકાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ જોડાઈને સફાઈ અભિયાન હાથ ધર્યું*
----------
સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં 'સ્વચ્છતા હી સેવા' ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૩ ને રવિવારના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે દીવ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેકટર શ્રી નૈમેશ દવે સહિત જિલ્લા સંગઠનના અન્ય હોદ્દેદારો અને પદાધિકારીશ્રીઓએ મહેતાપુરા વિસ્તાર સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેર માર્ગો પર સફાઈ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં 'એક તારીખ, એક કલાક' અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, જિલ્લાની મેડિકલ કોલેજ, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના દરેક તાલુકા અને ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાનની ગતિવિધિ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ શ્રમદાન 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ'ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું છે. શ્રમદાન થકી એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભગીરથ કાર્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અલ્પેશ પટેલ સહિત અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી.
૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.