પોલીસના મારથી ઇજાગ્રસ્ત આંબેડકરનગરના યુવકનું સારવારમાં મોત : દલિતોના ધાડા ઉમટયા : લાશ સ્વીકારવા ઇન્કાર
ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં 34 વર્ષીય હમીર ઉર્ફે ગોપાલ નામનો યુવાન તેના પડોશમાં રહેતાં પાડોશીના ઝઘડામાં સમાધાન કરાવવા ગયો ત્યારે દોડી આવેલ માલવીયાનગર પોલીસ મથકના એએસઆઈ અશ્વિન કાનગડ અને સ્ટાફે યુવાનને પકડી બોલેરોમાં અથડાવી બાદમાં પોલીસ મથકે લઈ જઈ ઢોર મારમારતાં ગંભીર ઇજા પહોંચતા બેભાન થઈ ગયાં બાદ સારવારમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે જાણ થતાં માલવીયાનગર પોલીસે અજાણ્યાં શખ્સ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં ટૂંકી સારવારમાં મોત નીપજતાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
જ્યારે યુવકનું મોત થયાની જાણ થતાં પરિવારજનો, અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને યુવકને ઢોર મારમારી મોતને ઘાટ ઉતારનાર પોલીસ કર્મીનું નામ ફરિયાદમાં ઉમેરી તાત્કાલિક તેની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે, જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી પોલીસ કમિશ્નરને પણ રજુઆત કરવામાં આવી હતી.
બનાવ અંગે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.2 માં રહેતાં ગીતાબેન હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઈ રાઠોડ (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપતા માલવીયાનગર પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે અને તેમના પતિ હમીરને છેલ્લા ત્રણેક વર્ષથી ડાયાબીટીસની બીમારી છે. ગઇ તા.14/04 ના રાત્રીના અગ્યારેક વાગ્યાની આસપાસ તેમની શેરીની બાજુમાં ખોડીયારનગર શેરી નં.16 ના ખુણા પાસે ચોકમાં રાજુભાઇ સોલંકી તથા તેનો પુત્ર જયેશને તેના પાડોશી સાથે ઝગડો થયેલ હોય જેથી જયેશ સોલંકી તેણીના પતિ હમીરને ઘરે બોલાવવા માટે આવેલ અને વાત કરેલ કે, ગોપાલકાકા મારી સાથે ચાલો અમારે પાડોશી સાથે ઝગડો થયેલ છે.
તેણે પોલીસની ગાડી બોલાવેલ છે, તમે આવો તો સમાધાન થઇ જાય તેમ વાત કરતા હમીરભાઈ તેની સાથે ગયેલ બાદ પંદરેક મિનીટ બાદ તેનો દીકરો અરમાન ઘરે આવી તેણીને વાત કરેલ કે, પોલીસની ગાડી આવેલ હોય અને પપ્પાને મારતા મારતા ગાડીમાં બેસાડી લઇ ગયેલ છે. જેથી તેણી તેના સાસુ સાથે પાડોશીના ઘરે ગયેલ અને તેમ વાત કરતા મારા સાસુ કેશુબેન અમારા પાડોશમાં રહેતા નાનજીભાઇના ઘરે ગયેલ અને તેને વાત કરેલ કે, પોલીસની ગાડી આવેલ હતી અને હમીરને પોલીસ લઇ ગયેલ છે.
જેથી તેઓ માલવીયાનગર પોલીસ સ્ટેશન પર ગયેલ હતા અને બાદ રાત્રીના એકાદ વાગ્યા આસપાસ નાનજીભાઈ તેણીના પતિ હમીરને એકટીવા બેસાડીને ઘરે લઇ આવેલ હતા અને સુઇ ગયેલ હતા. ત્યારે તે અર્ધ બેભાન જેવી હાલતમાં હતા. બાદમાં તેઓને અને સવારે વહેલા ઉઠવાની ટેવ હોય પરંતુ તે વહેલા ઉઠેલ નહી જેથી હું તેને જગાડવા ગયેલ પરંતુ તે જાગેલ નહી અને તેની તબીયત ખરાબ હોય અને તેનુ પેન્ટ ખરાબ થઇ ગયેલ હોય જેથી પેન્ટ અને શર્ટ બદલતા તેના શરીરે માર મારેલના ચાંભા જોવામાં આવેલ હતાં.
જેથી તેણીના સાસુ અને જેઠને વાત કરતાં તેઓને બેભાન હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ હતા અને તબીબોએ તેઓને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થયેલ હોવાનું કહ્યું હતું. બાદમાં યુવકના ભાઈએ એક વિડીયો મારફતે બનાવ અંગે રોષ ઠાલવતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈ, પીઆઈ એમ.ડી. ગઢવી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને અજાણ્યાં શખ્સ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
દરમિયાન આજે સવારે સારવારમાં રહેલ યુવકનું મોત નિપજયું હતું. બનાવથી પરિવારમાં આક્રંદ સાથે રોષ છવાયો હતો. બનાવની જાણ થતાં દલિત સમાજના આગેવાનો સહિતના લોકો દોડી આવ્યા હતાં અને જ્યાં સુધી યુવકને મારમારનાર પોલીસ કર્મીનું નામ ફરિયાદમાં ઉમેરી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી પોલીસ કમિશ્નર કચેરીએ લોકોના ઘાડેધાડા ઉતરી આવ્યા હતાં અને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.