લાંબા સમયથી ગેરહાજર અને લોકો સાથે ગેરવર્તન કરનાર 37 TRB ને છુટા કરાયા
- ટ્રાફિક શાખામાં એકહથ્થુ શાસન ચલાવતા વહીવટદારો અને તેમના ઉપર ચાર હાથ રાખતા અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં નહીં લેવાતા આશ્ચર્ય- ટ્રાફિક સેક્ટર-2 માં 9 જવાનોને છુટા કરાયા બાદ સેક્ટર-1 માં જવાનો સામે કાર્યવાહી : વકીલ પર હુમલા બાદ ઈમેજ ખરડાઈ સુરત, : સુરત શહેર ટ્રાફિક પોલીસમાં માનદ સેવક તરીકે ફરજ બજાવતા ટ્રાફિક સેક્ટર 1 ના ટીઆરબીના 37 જવાનોને તેમના વાહનચાલકો સાથેના ગેરવર્તન અને લાંબા સમયથી મનસ્વીપણે ફરજમાં ગેરહાજર રહેવાના કારણોને લીધે છુટા કરાયા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સેક્ટર 2 ના ટીઆરબીના 9 જવાનોને છુટા કરાયા હતા.સુરત શહેર ટ્રાફિક શાખામાં પોલીસ જવાનોની મદદ માટે રચવામાં આવેલી ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવક તરીકે ફરજ બજાવતા જવાનો માટે ચોક્કસ માર્ગદર્શિકા અમલમાં છે છતાં મોટાભાગના ટીઆરબી જવાનો બેફામ બન્યા છે.હાલમાં જ વકીલ ઉપર ટીઆરબી સુપરવાઈઝર દ્વારા હુમલાને પગલે ટ્રાફિક પોલીસની છબી ખરડાઈ છે ત્યારે ગત રવિવારે ટ્રાફિક સેક્ટર 2 ના ટીઆરબીના 9 જવાનોને જુદાજુદા કારણોસર છુટા કરાયા બાદ આજરોજ ટ્રાફિક સેક્ટર 1 ના ડીસીપી ઉષા રાડાએ સેક્ટર 1 માં ફરજ બજાવતા ટીઆરબીના 37 જવાનોને છુટા કરવાનો હુકમ કર્યો હતો.આજરોજ છુટા કરાયેલા ટીઆરબીના જવાનો વાહનચાલકો સાથે ગેરવર્તન કરતા હતા અને લાંબા સમયથી મનસ્વીપણે ફરજમાં ગેરહાજર રહેતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.જોકે, માત્ર ટીઆરબી જવાનો સામે જ કાર્યવાહી કરાતા અને ટ્રાફિક શાખામાં એકહથ્થુ શાસન ચલાવતા વહીવટદારો અને તેમના ઉપર ચાર હાથ રાખતા અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં નહીં લેવાતા આશ્ચર્ય સર્જાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.