ભાસ્કર વિશેષ:દેશનાં 36 સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ પસંદ કરાયાં, છોટા ઉદેપુરનું હાફેશ્વર ‘વિરાસત ગામ’, ચંદેરી સાડીના વણાટ માટે પ્રખ્યાત મધ્યપ્રદેશના પ્રાણપુરનો પણ સમાવેશ - At This Time

ભાસ્કર વિશેષ:દેશનાં 36 સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ પસંદ કરાયાં, છોટા ઉદેપુરનું હાફેશ્વર ‘વિરાસત ગામ’, ચંદેરી સાડીના વણાટ માટે પ્રખ્યાત મધ્યપ્રદેશના પ્રાણપુરનો પણ સમાવેશ


ચાર દાયકા પહેલાં ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ના શૂટિંગથી ખ્યાતિ મેળવનારા હર્સિલ ગામને દેશનાં સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામોમાં સમાવાયું છે. બીજી તરફ કૈલાસ માનસરોવર યાત્રાના છેલ્લા પડાવ પર ભારત-તિબેટ સરહદે વસેલું ગુંજી ગામ પણ આ યાદીમાં સમાવાયું છે. હર્સિલ અને ગુંજીની સાથે દેશનાં 36 ગામને આ વર્ષે પણ પસંદ કરાયાં છે. 8 તબક્કામાં પસંદગી માટે 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 991 ગામોએ અરજી કરી હતી. તેમાં વાઇબ્રન્ટ વિલેજ શ્રેણીમાં હર્સિલ અને ગુંજીની પસંદગી થઈ છે. વિરાસત ગામ (5) : છોટા ઉદેપુરનું હાફેશ્વર શ્રેષ્ઠ વિરાસત ગામ છે. અહીં અડધા ડૂબેલા શિવમંદિરનાં દર્શન કરવા લોકો આવે છે. મણિપુરનું આન્દ્રો ગામ, પણ પસંદ કરાયું છે. પુરા મહાદેવ (બાગપત), માફ્લંગ અને કીલાદિ ગામો છે. જવાબદાર ગામ (5): આ શ્રેણીમાં મધ્યપ્રદેશના ઓરછા પાસે લાડપુરા ખાસ અને પંચમઢી પાસે સબરવાની ગામને પસંદ કરાયાં છે. અન્ય ત્રણમાં કેરળના કોઝિકોડ જિલ્લાના કડલુંડી, લેહ જિલ્લાનું તાર અને દાદરા, નગર હવેલીનું દુધાની ગામ છે. સમાજ આધારિત ગામ (5): આ શ્રેણીમાં બસ્તરનું ચિત્રકોટ ગામ પસંદ કરાયું છે, જે ‘નાયગ્રા ઑફ ઇન્ડિયા’ માટે પ્રસિદ્ધ છે. અલ્પના આર્ટ માટે જાણીતું ત્રિપુરાનું અલ્પના ગામ પણ છે. અહીં દર વર્ષે 55 હજાર પ્રવાસી આવે છે. આ શ્રેણીમાં અજમેરનું દેવમાલી, લક્ષદ્વીપનું મિનકૉય આયલૅન્ડ અને મિઝોરમનું સિયાલસુક પણ છે. શિલ્પ ગામ (5): ભગવાન જગન્નાથનાં વસ્ત્રમાં લાગતા ખંડુઆ પટા બનાવતું મણિબંધ, ચંદેરી સાડી માટે વખણાતું મધ્યપ્રદેશનું પ્રાણપુર, તેલંગાણામાં લાકડાંનાં રમકડાં માટે પ્રખ્યાત નિર્મળ, મૂગા સિલ્ક માટે પ્રખ્યાત સુઆલકુચી પણ આ શ્રેણીમાં છે. આધ્યાત્મિક ગામ (5) : આ શ્રેણીમાં ભગવાન નૃસિંહને સમર્પિત નાંદિયાલ (આંધ્રપ્રદેશ)નું અહોબિલમ ગામ, નાગેશી અને મહાલક્ષ્મી મંદિર અને પોંડાના અંત્રુજ મહેલ માટે વિખ્યાત નોર્થ ગોવાનું બંદોરા ગામ અને દેવઘર (ઝારખંડ)નું રિકીપીઠ ગામ સહિત પાંચ ગામ પસંદ કરાયાં છે. કૃષિ પ્રવાસન (5) : બંગાળનું વારાણસી કહેવાતા બડાનગર ગામમાં પ્રવાસીઓને ધાનરોપણ, પાકની લણણી કરાવાય છે. આ શ્રેણીમાં પંજાબના હંસલને ખેતરોમાં પરાળી બાળવાની ઘટનાઓ 50% ઓછી કરવા માટે પસંદ કરાયું છે. રત્નાગિરીના કરડે, કોટ્ટાયમના કુમારકોમ, બાગેશ્વરનું સૂપી છે. એડવેન્ચર પ્રવાસન ગામ (4) : આ શ્રેણીમાં અનંતનાગના અરુ ગામ, બસ્તરના ધુધમારસ, ઉત્તરકાશીના જખોલ અને દક્ષિણ કન્નડના કુતલુર ગામ પસંદ કરાયાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.