જામનગર શહેર અને દરેડ વિસ્તારના ૩ ટ્રાન્સપોર્ટરોને ત્યાં GSTના દરોડાની કાર્યવાહીથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓમાં દોડધામ - At This Time

જામનગર શહેર અને દરેડ વિસ્તારના ૩ ટ્રાન્સપોર્ટરોને ત્યાં GSTના દરોડાની કાર્યવાહીથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓમાં દોડધામ


જામનગર તા 21 જુલાઈ 2022,ગુરૂવાર જામનગર શહેર અને દરેડ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલા ૩ ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને ત્યાં આજે અમદાવાદથી જીએસટીની ફ્લાઈંગ સ્કવોર્ડ ત્રાટકી હતી, અને સામુહિક રીતે તપાસ હાથ ધરવામાં આવતાં શહેરના ટ્રાન્સપોર્ટરોમાં ભારે દોડધામ થઈ છે.આજે સવારથી જીએસટી વિભાગના અધિકારીઓ તથા સ્ટાફની અલગ અલગ  ટૂકડીઓ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ શહેરોમાં ટ્રાન્સપોર્ટરોને ત્યાં ત્રાટકી હતી. જામનગરમાં ૩ અગ્રણી ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પાડી જી.એસ.ટી. અંગેની ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જામનગરના ગ્રેઈન માર્કેટ, ત્રણ દરવાજા વિસ્તારની પોટરી વાળી ગલીમાં એક ટ્રાન્સપોર્ટને ત્યાં આજે સવારથી જીએસટીની વિભાગની ટુકડી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને કેટલાક દસ્તાવેજની ચકાસણી હાથ ધરવામાં અવી હતી.જોકે કેટલી રકમની કરચોરી ઝડપાઇ, તે જાહેર કરાયુ નથી. આ ઉપરાંત દરેડ સહિત અન્ય બે ટ્રાન્સપોર્ટની પેઢીને ત્યાં પણ અમદાવાદની જીએસટી ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ ત્રાટકી છે, અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એસેસમેન્ટ જાહેર થયું નથી. પરંતુ આ કાર્યવાહીને લઈને જામનગર શહેરના અન્ય ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.