પંચમહાલ જિલ્લામાં ચૂંટણીના દિવસે મતદારો માટે સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થા: 281 મતદાન મથકો પર મંડપની સુવિધા ઉભી કરાશે - At This Time

પંચમહાલ જિલ્લામાં ચૂંટણીના દિવસે મતદારો માટે સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થા: 281 મતદાન મથકો પર મંડપની સુવિધા ઉભી કરાશે


લોકસભા સામાન્ય ચૂંટણી 2024–પંચમહાલ જિલ્લો

દરેક મતદાન મથક દીઠ 5 પીવાના પાણીના જગ અને પૂરતા પ્રમાણમાં ORS પૂરું પડાશે

સિનિયર સિટીઝનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 528 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા

ગોધરા

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન કરવા આવનાર નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં આવેલા અને જરૂરિયાત જણાય છે, એવા કુલ 281 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવશે. આ દિવસે દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીના પાંચ-પાંચ જગની વ્યવસ્થા કરાશે અને દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોના આરોગ્યની જાળવણી માટે દરેક રૂટ પર સેક્ટક ઓફિસર સાથે એક આરોગ્ય શાખાના કર્મચારી રાખવામાં આવશે. ગરમીની સીઝનમાં ભોગ બનનાર વ્યક્તિના લક્ષણોની ઓળખ તથા તે માટે શું સારવાર આપવી તે પોલિંગ સ્ટાફને સેકન્ડ ટ્રેનિંગ વખતે આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી છે.

મતદાન મથકો સિનિયર સિટીઝનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 528 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે.જિલ્લાના દિવ્યાંગજનો વ્હીલ ચેરના ઉપયોગ માટે સક્ષમ એપ થકી નોંધણી કરાવી શકશે.

મતદારોની સાથે સાથે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ વેલફેર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે.દરેક મતદાન મથકો ખાતે વેલફેર કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, દરેક વિધાનસભા કક્ષાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે પંચમહાલ જિલ્લા ચૂંટણી તંત્ર વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.