એક જ વિદ્યાર્થિની સાથે મિત્રતા મામલે સહપાઠીઓ વચ્ચે ઝઘડો: ચાલુ ક્લાસમાં છરી ઝીંકી દીધી
રાજકોટની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં ગઈ કાલે બે વિદ્યાર્થી બાખડી પડ્યાં હતાં. એક જ વિદ્યાર્થિની સાથે મિત્રતા મામલે સહપાઠીઓ વચ્ચે ઝઘડો થતાં ચાલુ ક્લાસમાં જ વિદ્યાર્થીએ સહપાઠીને છરી ઝીંકી દેતાં મંથન નથવાણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં સારવાર હેઠળ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામનગરનો અને હાલ રાજકોટમાં રાજપૂત પરા વિસ્તારમાં લોહાણા બોર્ડિંગમાં રહેતો મંથન અમિતભાઈ નથવાણી (ઉ.વ.17) નામનો વિદ્યાર્થી ગઈ કાલે રાજકોટમાં આવેલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં હતો ત્યારે બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ ચાલુ કલાસમાં જ તેની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ મંથનને છરી ઝીંકી દીધી હતી.
બાદ મંથનને તાકીદે સારવાર અર્થે ગુંડાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. બનાવ અંગે મંથનના મિત્રએ જણાવ્યું હતું કે મંથન મૂળ જામનગરનો વતની છે. અને રાજકોટમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમામાં સેમ 1 માં અભ્યાસ કરે છે.
મંથન અને તેની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એક જ વિદ્યાર્થિની સાથે મિત્રતા હોય જે બાબતે એક મહિના અગાઉ મંથન અને તેની સાથે અભ્યાસ કરતાં સહપાઠી વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ ગઈ કાલે મંથન કોલેજમાં હતો.
ત્યારે લેક્ચર પૂર્ણ થયા બાદ મંથન અને તેની સાથે અભ્યાસ કરતો વિદ્યાર્થી વચ્ચે અગાઉ થયેલ માથાકૂટ બાબતે બોલચાલી થતા ઉશ્કેરાઈ ગયેલ વિદ્યાર્થીએ ચાલુ કલાસમાં જ મંથનને કમરના ભાગે છરી ઝીંકી દીધી હતી.
હાલ મંથન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત દોડી ગઈ હતી. અને બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.