રાજકોટમાં દોડશે મેટ્રો રેલ, 38 કિ.મી.નો રૂટ તૈયાર કરવા ખર્ચાશે રૂ.10 હજાર કરોડ - At This Time

રાજકોટમાં દોડશે મેટ્રો રેલ, 38 કિ.મી.નો રૂટ તૈયાર કરવા ખર્ચાશે રૂ.10 હજાર કરોડ


રાજ્ય સરકારે પ્રોજેક્ટને મંજૂરી આપી: કેન્દ્રની લીલીઝંડી બાદ ઝડપથી કામ શરૂ કરવામાં આવશે

​​​​​​ મેટ્રો રેલના અધિકારીઓએ રાજકોટનો સરવે કર્યો, શહેરના એક છેડાથી બીજા છેડા સુધીનો રૂટ બનાવી તૈયાર કર્યો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ

રાજકોટને એઈમ્સ, ક્રિકેટ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે રાજકોટમાં મેટ્રો રેલ પણ દોડતી થશે. રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. રાજકોટ મેટ્રોની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપની ગાંધીનગર કચેરી સંભાળશે. મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સરવે પણ કરી ગયા છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપીને તેનો ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલ્યો છે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આશરે 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને શહેરની આસપાસનો અંદાજિત 38થી 40 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે. સંભવત શાપર-વેરાવળ, 150 ફૂટ રિંગ રોડ, ખંઢેરી, એઈમ્સ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઈન બિછાવવામાં આવી શકે છે.અગાઉ મેટ્રો રેલના અધિકારી રાજકોટમાં મેટ્રો રેલ શક્ય છે કે કેમ તેનો સરવે પણ કરી ગયા છે. ફિઝિબિલિટી રિપોર્ટ પણ પોઝિટિવ રહેતા પ્રાથમિક દૃષ્ટિએ રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવાનો હકારાત્મક અભિગમ જોવા મળે છે. જોકે મેટ્રો રેલનો આખરી રૂટ હજુ નક્કી કરાયો નથી. કેન્દ્ર સરકારમાંથી લીલીઝંડી મળ્યા બાદ ક્યાંથી ક્યાં સુધીની મેટ્રો રેલ દોડાવવી તે નક્કી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.