જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને પોલીસ અધિક્ષકશ્રી કચેરીના સંયુક્ત ઉપક્રમે "મિશન ખાખી" કાર્યક્રમ યોજાયો - At This Time

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને પોલીસ અધિક્ષકશ્રી કચેરીના સંયુક્ત ઉપક્રમે “મિશન ખાખી” કાર્યક્રમ યોજાયો


ખાખી તો જોઈએ જ.......ખાખી એટલે મારી જિંદગી આખી
----------
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને પોલીસ અધિક્ષકશ્રી કચેરીના સંયુક્ત ઉપક્રમે "મિશન ખાખી" કાર્યક્રમ યોજાયો
----------
ગીર સોમનાથ તા.૦૩: ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મિશન શક્તિ અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના ભાગરૂપે સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ વેરાવળ ખાતે એક નવતર અભિગમ "મિશન ખાખી" કાર્યક્રમ યોજાયો હતો.

"ખાખી તો જોઈએ જ, ખાખી એટલે મારી જિંદગી આખી...." આંખોમાં આશા અને હૈયામાં હામ રાખી પોલીસ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું સપનું હોય છે પોતાના શરીર પર ખાખીનો પોશાક. ખાખી પોશાક એટલે કે સતત જવાબદારી સાથે સમાજમાં નાગરિકલક્ષી પ્રદાન કરવાની અમૂલ્ય તક.

"મિશન ખાખી" અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી એમ.જી.વારસૂર અને ડી.વાય.એસ.પી શ્રી સી.સી.ખટાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

સીટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર.ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ સાથે સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરી શકાય તેમની ઉદાહરણ સાથે માહિતી આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. કરમટા દ્વારા પોલીસ વિભાગની તૈયારી કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસક્રમ મુજબ બંધારણ, કરંટ અફેર, ભૂગોળ, ઇતિહાસ વગેરે વિશે બુકના નામ સાથે વિગતે માહિતી આપી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એલ.વરચંદ દ્વારા સાઇબર સેફટી, સાઇબર ક્રાઇમ, સાયબર માટે ટોલ ફ્રી નંબર, તેમજ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપયોગ સમયે રાખવાની સાવચેતી ઉપરાંત વિદ્યાર્થીઓને "મિશન ખાખી "ઉપર વિષયવાર પુનરાવર્તન, મોક ટેસ્ટ આપવી, સમયનું મહત્વ ભૂલોમાંથી શીખતા રહેવું, ફિઝિકલ પરીક્ષા માટે ફિઝિકલ ફિટનેસ તેમજ આરોગ્ય સંબંધિત ટીપ્સ આપી હતી.

આ ઉપરાંત કોડિનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.વણારકા દ્વારા વિદ્યાર્થીઓને વધુ પુસ્તકોની બદલે ઓથેન્ટિક પુસ્તકોની પસંદગી કરી વિષયવાર આયોજન અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવા તેમજ ભવિષ્યનું લક્ષ નક્કી કરી તે જે ક્ષેત્રમાં જવા માંગે છે એ મુજબ તૈયારી કરી ડિજિટલ પ્લેટફોર્મની સાથે સાથે લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના જવાબો અને માહિતી આપી મિશન ખાખી કાર્યક્રમની આભાર વિધિ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ, સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી વન સ્ટોપ સેન્ટર કર્મચારીઓ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.