હવે આડેધડ બોર્ડ-બેનર મારનારાની ખૈર નહીં; 45 હજારનો દંડ ફટકારાયો
રાજકોટ મહાપાલિકા દ્વારા રાજમાર્ગો પરના દબાણો હટાવવાની ઝુંબેશ વધુ વેગવંતી કરવામાં આવી છે. તેવામાં હવે શહેરમાં આડેધડ અને મંજૂરી વગર ખડકી દેવામાં આવતા બોર્ડ-બેનર જપ્ત કરીને સંતોષ માનવાની કામગીરીના બદલે કમિશનરે આવા ધંધાદારી લોકોને દંડ કરવાનો આદેશ કરતા છેલ્લા 12 દિવસમાં અર્ધો લાખ જેટલી પેનલ્ટી વસુલ કરવામાં આવી છે. શૈક્ષણિક, ઔદ્યોગિક, વેપારી, સંસ્થા સહિતની પ્રવૃતિના પાટીયા ડિવાઇડર, સર્કલ, પોલ પર આડેધડ મારનારા સામે આ આકરી કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે.
મનપાની દબાણ હટાવ શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તા.1-2થી તા.12-2 સુધીમાં કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પીડવેલ ચોક સુધી, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રીંગ, સંત કબીર રોડ પરથી 981 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા છે. મંજુરી વગર આવા બોર્ડ મારનાર પાર્ટીઓ પાસેથી રૂા. 45 હજારનો દંડ લઇને આ સામાન ગોડાઉન હવાલે કરવામાં આવ્યો છે.
દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેમાં મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, ગુંદાવાડી, જ્યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડેન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ 60 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, ખાદીભવન સામે, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોક,ગરૂડગરબી ચોક પરથી જુદીજુદી અન્ય 123 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરાઇ હતી.
જયારે વેસ્ટ ઝોનમાં પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મિનગર નાલા પાસેથી 2406 કિલો શાકભાજી, ફળ જપ્ત કરવામાં આવ્યા હતા. હોકર્સ ઝોન, શાક માર્કેટો અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બકાલુ અને ફ્રુટના પથારા કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરાઇ રહી છે.
લાંબા સમયથી શહેરમાં ગેરકાયદે ખડકવામાં આવતા બોર્ડ-બેનર જપ્ત કરવાનું કામ થાય છે પરંતુ લાખો રૂપિયાનો પ્રચાર મફત થઇ જાય તે બાદ પાટીયા જપ્ત થઇ જાય તેમાં ધંધાદારી લોકોને વાંધો હોતો નથી. આથી મનપાએ માત્ર મજુરી જેવું કામ કરવાનું હોય, કમિશ્નરે આવા આસામીઓને દંડ કરવામાં હુકમ કર્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.