યુવતીના 30થી વધુ ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા:બેંગલુરુની યુવતીની ઘાતકી હત્યા કરી હત્યારો ફરાર; શ્રદ્ધા વોલકર જેવા જ હત્યાકાંડથી ખળભળાટ
કર્ણાટકના મલ્લેશ્વરમમાંથી એક અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 26 વર્ષની એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મહિલાના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા છે. મહિલાની હત્યા બાદ તેના દેહના ટુકડા મલ્લેશ્વરમ પાસે વ્યાલીકાવલમાં ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. એડિશનલ સીપી વેસ્ટ, સતીશ કુમારે જણાવ્યું હતું કે, દુર્ગંધ આવતાં પોલીસ આ સ્થળે પહોંચી હતી. હાલ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. 30થી વધુ ટુકડાઓમાં લાશ મળી
પોલીસે જણાવ્યું હતું કે “26 વર્ષીય મહિલાનો મૃતદેહ 30થી વધુ ટુકડાઓમાં કાપીને વ્યાલીકાવલ પોલીસ સ્ટેશનની હદમાં એક ઘરમાં રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી રહી છે. હાલ ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.” મૃતદેહની ઓળખ કરી
પોલીસે જણાવ્યું કે લાશની ઓળખ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે યુવતીનું નામ મહાલક્ષ્મી છે. તે કર્ણાટકમાં સ્થાયી થઈ હતી પરંતુ મૂળ અન્ય રાજ્યની છે. હાલમાં તપાસ ચાલી રહી છે, તેઓ તપાસ બાદ વધુ માહિતી આપશે. હત્યા 10-15 દિવસ પહેલાં થઈ હતી
પોલીસે તાત્કાલિક તપાસ ટીમને સ્થળ પર બોલાવી હતી અને તમામ સંભવિત પુરાવા એકઠા કર્યા હતા. પોલીસને શંકા છે કે લગભગ 10-15 દિવસ પહેલાં મહાલક્ષ્મીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે મહાલક્ષ્મીની હત્યા કર્યા બાદ હત્યારાએ તેના શરીરના અનેક ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા જેથી તેને ભાગી જવાનો સમય મળી શકે. પોલીસે હાલ હત્યારાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આ હત્યાના સંદર્ભમાં વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં વ્યસ્ત છે. પોલીસે આખી વાત જણાવી
“વ્યાલીકાવલ પોલીસની હદમાં એક 1 BHK ઘર છે. 26 વર્ષની યુવતીના મૃતદેહના ટુકડાઓ કરીને રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો. પ્રથમ દૃષ્ટિએ, ઘટના આજે બની નથી. એવું લાગે છે કે આ 10-15 દિવસ પહેલાં થયું હતું. ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ ટીમ સ્થળ પર હાજર છે. અમે FSL ટીમને પણ બોલાવી છે અને તપાસ ચાલુ છે. અમે છોકરીની ઓળખ કરી લીધી છે, પરંતુ અમને તપાસ પૂરી કરવા દો.” મહિલા તેના પતિથી અલગ રહેતી હતી
પાડોશીઓએ યુવતીની માતા અને ભાઈને ફોન કરીને ઘરમાંથી દુર્ગંધ આવવાની જાણ કરી હતી. જે બાદ બંને જ્યારે ત્યાં પહોંચ્યાં તો હત્યાનો મામલો સામે આવ્યો. ઘરનાં તાળાં તૂટેલાં હતાં. તે તેના પતિથી અલગ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. મહાલક્ષ્મી છેલ્લા 3 મહિનાથી અહીં ભાડે રહેતી હતી. તે બેંગલુરુના એક મોલમાં કામ કરતી હતી. તેનો પતિ શહેરથી દૂર એક આશ્રમમાં કામ કરે છે. ઘટનાની માહિતી મળતા તે પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શરીરના ટુકડા સંપૂર્ણપણે વિકૃત હતા. ડીસીપી શેખર અને એડિશનલ પોલીસ કમિશનર સતીષે જણાવ્યું કે મહિલાના શરીરના 30થી વધુ ટુકડા કરવામાં આવ્યા હતા. યુવતી તેના પતિથી અલગ રહેતી હતી. ઘરના માલિકનું નામ જયરામ છે. એક છોકરો યુવતીને મૂકવા અને લેવા આવતો. તેણે હત્યા કરી હોવાની પોલીસને શંકા છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. આવી જ હત્યા 2022માં થઈ હતી, જેણે આખા દેશને હચમચાવી નાખી હતી. 18 મે 2022ના રોજ હત્યા, લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા
18 મે 2022ના રોજ દિલ્હીના છતરપુર વિસ્તારમાં રહેતા આફતાબે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી 300 લિટરના ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. આફતાબ ધીમે ધીમે આ ટુકડાઓ ગોઠવતો. દરરોજ તે એક-બે ટુકડા જંગલમાં ફેંકી દેતો હતો. દિલ્હી પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન દિલ્હી પોલીસે આફતાબનો નાર્કો અને પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેણે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ કેસમાં 150 થી વધુ સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં હતાં. પોલીસે આફતાબના અવાજના નમૂના પણ રેકોર્ડ કર્યા હતા, હાલ મામલો કોર્ટમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.