મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી:બિલ્ડિંગમાં 24 પરિવાર રહેતા હતા, કાટમાળ નીચે દટાઈને 2નાં મોત, એકનાં માત્ર બોડી પાર્ટ્સ મળ્યા - At This Time

મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી:બિલ્ડિંગમાં 24 પરિવાર રહેતા હતા, કાટમાળ નીચે દટાઈને 2નાં મોત, એકનાં માત્ર બોડી પાર્ટ્સ મળ્યા


મહારાષ્ટ્રના મુંબઈમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. મુંબઈમાં થયેલા ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાથી અનેક લોકો દટાયા હતા. જેમાંથી ઘણાંને બચાવી લેવાયા છે. જ્યારે 2 લોકોનાં મોત થયા છે. 1 વ્યક્તિના શબને બહાર કાઢવામાં આવ્યું છે જ્યારે બીજાના માત્ર બોડી પાર્ટ્સ મળ્યા છે. બિલ્ડિંગમાં કુલ 24 પરિવાર રહેતા હતા. પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. જેસીબીને પણ ઘટનાસ્થળે બોલાવીને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર કૈલાસ શિંદેએ જણાવ્યું હતું કે "આ ઈમારત આજે સવારે 5 વાગ્યા પહેલાં ધરાશાયી થઈ હતી. આ ગ્રાઉન્ડ 3 માળની ઈમારત છે, જે સેક્ટર-19, શાહબાઝ ગામમાં છે.
એ 3 માળની ઈમારત હતી. 52 લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા અને કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોનાં મોત થયા છે. આ 10 વર્ષ જૂની ઈમારત છે, તપાસ ચાલી રહી છે, જે પણ દોષિત ઠરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે થોડા દિવસો પહેલાં જ બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ પડી ગયો હતો
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રુબિનિસા મંઝિલમાં સવારે 11:00 વાગ્યે બની હતી. મુંબઈ ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા ને ત્રીજા માળની બાલ્કની તથા સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા. ઘટનાની 2 તસવીરો જુઓ... ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા
ગ્રાન્ટ રોડ સ્થિત બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ફૂટેજ ઘટનાસ્થળે આવેલી એક દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજનો હતો, જેમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના ઘરની બહાર નીકળીને શેરીમાં આવે છે ત્યારે જ તેના ઉપર કાટમાળ પડે છે અને તે નીચે દટાઈ જાય છે, ત્યારે અચાનક જ નાસભાગ મચી જાય છે. એકનું મોત થયું હતું
રેસ્ક્યૂ ટીમે વિવિધ સાધનોનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢ્યા હતા. મુંબઈ ફાયરબ્રિગેડનાં ચાર વાહનો, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (QRV), એક રેસ્ક્યૂ વ્હીકલ (RV) અને એક ટર્નટેબલ લેડર (TTL) સ્થળ પર તહેનાત કરવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે પોલીસ, એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફને તહેનાત કર્યા હતા. મુંબઈ ફાયરબ્રિગેડે અત્યારસુધીમાં 13 લોકોને બચાવ્યા છે. ભાટિયા હોસ્પિટલે ચાર ઘાયલની પુષ્ટિ કરી હતી, જ્યારે એક મહિલાને પહોંચતાં જ મૃત જાહેર કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.