ભાસ્કર વિશેષ:2023ના માત્ર એક વર્ષમાં 2.20 લાખ વિદેશી પ્રવાસીઓએ કુતુબ મિનારની મુલાકાત લીધી, રાજસ્થાનનું ચાંદ બાવડી પણ લોકપ્રિય
દિલ્હીનો કુતુબમીનાર વિદેશી પ્રવાસીઓ દ્વારા બીજું સૌથી વધુ જોવાયેલું સ્મારક બન્યો છે. કુતુબમિનારે આ બાબતમાં આગ્રાના કિલ્લાને પાછળ રાખ્યો છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગના ડેટા પ્રમાણે, 2023-24માં કુતુબમિનારને જોવા માટે 2,20,017 વિદેશી પ્રવાસી આવ્યા હતા. આ 2022 કરતાં 90% વધુ છે. જ્યારે આગ્રાનો કિલ્લો જોવા માટે 2,18,144 વિદેશી પ્રવાસી આવ્યા હતા. મિનાર જોવા આવનારા દેશના પ્રવાસીઓની સંખ્યા પણ 2022ની સરખામણીમાં 73.1% વધીને 2023માં 31.20 લાખે પહોંચી છે જ્યારે આગ્રાનો કિલ્લો જોનારા દેશી પ્રવાસીઓની સંખ્યા 2022 કરતાં 18% ઘટીને 14.10 લાખ થઈ છે. આ કારણે કુતુબમિનારમાં વિદેશી પ્રવાસીઓ વધ્યા
ટ્રાવેલ એજન્ટ કુતુબમિનારની નવી લોકપ્રિયતાનો શ્રેય તેની સારી દેખરેખ, પૂરતું પાર્કિંગ, સારી રેસ્ટોરન્ટ, અનેક હૅરિટેજ વૉક, જીવંત શોપિંગ એરિયા અને તાજેતરમાં જ શરૂ કરાયેલા લેઝર લાઇટ શોને આપે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ટ્રાવેલ એજન્ટ્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાનાં અધ્યક્ષા જ્યોતિ મયાલે કહ્યું કે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને નિયમિત સંભાળને કારણે તેની અપીલ વધી છે. ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ ટૂર ઓપરેટર્સના અધ્યક્ષ રાજીવ મેહરાએ પણ આ અંગે પ્રકાશ પાડ્યો હતો કે અત્યારે કુતુબમિનારની સારી સંભાળ લેવાય છે. તેમણે કહ્યું, પાર્કિંગ ઘણું સુલભ છે અને આસપાસ સારી હોટલો છે, જ્યાં વિદેશી પ્રવાસીઓ યાત્રા પછી સારા ભોજનનો આનંદ લઈ શકે છે. ચાંદ બાવડીમાં વિદેશી પ્રવાસીઓ144% વધ્યા: રાજસ્થાનના દોસામાં અભાનેરી ગામસ્થિત ચાંદ બાવડીની વિદેશી પ્રવાસીઓમાં લોકપ્રિયતા વધી રહી છે. 2023-24માં તે વિદેશીઓમાં લાલ કિલ્લો અને ફતેહપુર સિકરી કરતાં પણ વધુ લોકપ્રિય હતી. 9મી સદીમાં નિર્માણ થયેલ ચાંદ બાવડીની 96,080 વિદેશી પ્રવાસીએ મુલાકાત લીધી હતી, જે વાર્ષિક 144.8%નો વધારો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.