22 કરોડની પ્રોપર્ટી, 42 લાખ વાર્ષિક આવક:લાલબત્તીવાળી ‘ઓડી’માં ફરે, બોલેરોમાં ઓફિસ આવે; 26,000નું ચલણ નથી ભર્યું, OBC ક્વોટામાંથી IAS બનેલી પૂજા ખેડકર
પૂજા ખેડકર, મહારાષ્ટ્રના પુણેમાં 34 વર્ષીય ટ્રેઇની IAS ઓફિસર, પોતાના UPSC સિલેક્શનને લઈને વિવાદમાં છે. હવે તેના નામે કરોડોની સંપત્તિનો ખુલાસો થયો છે. પૂજા ખેડકર લગભગ 17-22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. વર્ષ 2023માં જોઈનિંગ પહેલાં સરકારને આપેલી તેની સ્થાવર મિલકતની વિગતોમાં પૂજાએ જણાવ્યું કે તેણે 2015માં પુણેના મ્હાલુંગેમાં 2 પ્લોટ ખરીદ્યા હતા. જેમાં તેણે એક પ્લોટ 42 લાખ 25 હજાર રૂપિયામાં અને બીજો પ્લોટ 43 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં બંને પ્લોટની બજાર કિંમત રૂ. 6થી 8 કરોડની વચ્ચે છે. પૂજાએ 2018માં પુણેના ધાનેરી વિસ્તારમાં 4.74 હેક્ટર જમીન 20 લાખ 79 હજાર રૂપિયામાં ખરીદી હતી. તેની વર્તમાન બજાર કિંમત 3થી 4 કરોડ રૂપિયા છે. પૂજાએ 2020માં કેંધવામાં 724 ચોરસ ફૂટનો ફ્લેટ 44 લાખ 90 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, જેની કિંમત હાલમાં 75 લાખ રૂપિયા છે. કરોડોની પ્રોપર્ટીમાંથી દર વર્ષે 42 લાખ રૂપિયાની આવક
NDTVના રિપોર્ટ અનુસાર, આ સિવાય પૂજાના નામ પર અહેમદનગરમાં ત્રણ પ્રોપર્ટી પણ છે. જેમાંથી તેમની માતાએ તેને 2014માં બે જમીન ભેટમાં આપી હતી. તેની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. આ તમામ 7 પ્રોપર્ટીમાંથી પૂજા દર વર્ષે 42 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. પૂજાના પિતા દિલીપ ખેડકરના નામે લગભગ 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દિલીપ ખેડકર મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત વહીવટી અધિકારી છે. નિવૃત્તિ પછી, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2024માં અહેમદનગર બેઠક પરથી બહુજન અઘાડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી. પણ હારી ગયા. જે ઓડીમાં ફરે છે એના પર 26 હજાર રૂપિયાનું ચલણ બાકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા ખેડકર જે ઓડી કાર પર લાલ-વાદળી બત્તી અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટિકર લગાવીને ફરે છે, જેના પર 26 હજાર રૂપિયાનું ચલણ ભરવાનું બાકી છે. 2022થી અત્યાર સુધીમાં સ્પીડમાં ગાડી ચલાવવા, સિગ્નલ તોડવા અને પોલીસ પૂછપરછ પર રોકાવાનો ઈનકાર કરવા જેવા ટ્રાફિક નિયમો તોડવાને લઈને ઓડીના 21 ચલણ પેન્ડિંગ છે. આ ગાડી પ્રાઈવેટ એન્જિનિયરિંગ કંપનીના નામે રજિસ્ટર છે. પૂજા ખેડકરની તપાસ માટે સમિતિની રચના
કેન્દ્રએ ગુરુવારે (11 જુલાઈ) વિવાદાસ્પદ તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી ચકાસવા માટે એક સભ્યની સમિતિની રચના કરી છે. પૂજા ખેડકર પર IASમાં પદ મેળવવા માટે વિકલાંગતા અને OBC અનામત ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. કેન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તપાસ અધિક સચિવ રેન્કના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. આ તપાસનો હેતુ 2023 બેચના અધિકારી ખેડકરની ઉમેદવારીના દાવાઓ અને અન્ય વિગતોની ચકાસણી કરવાનો રહેશે. કમિટી બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે. પર્સનલ કાર પર લાલબત્તી લગાવી, અધિકારીઓને હેરાન કર્યા
ખેડકર ગુરુવારે વિદર્ભ પ્રદેશના વાશિમ જિલ્લા કલેક્ટર કચેરીમાં સહાયક કલેક્ટર તરીકે જોડાયા હતાં. પૂજાને પૂણેથી અહીં ટ્રાન્સફર કરવામાં આવી છે, જ્યાં તેણે કથિત રીતે ઘણા લોકોને હેરાન કર્યા હતા અને તેની પર્સનલ ઓડી કાર પર લાલબત્તી લગાવી હતી. ખેડકર ઓડી કારને બદલે સામાન્ય બોલેરો કારમાં વાશિમ ઓફિસ પહોંચી હતી. વાશિમમાં મીડિયાના પ્રશ્નો પર, ખેડકરે કહ્યું કે તે વાશિમ જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજમાં જોડાઈને ખુશ છે અને અહીં કામ કરવા માગે છે. પોતાના પર લાગેલા આરોપો અંગે તેણે કહ્યું કે મને આ મામલે કંઈપણ કહેવાનો અધિકાર નથી. સરકારના નિયમો મને આ મામલે કંઈ કહેવાની મંજૂરી આપતા નથી. દરમિયાન, પુણે પોલીસ અધિકારીઓ કાર પર લાલબત્તી લગાવવા અને વીઆઈપી નંબર લેવાના આરોપોની તપાસ માટે ખેડકરના પુણેના ઘરે પહોંચ્યા હતા. અહીં પોલીસને ગેટનું તાળું લાગેલું જોવા મળ્યું. પરિસરમાં હાજર ખેડકરની માતાએ મીડિયાને વીડિયો રેકોર્ડ કરતા અટકાવ્યા. કેમ વિવાદમાં છે પૂજા ખેડકર?
જ્યારે અધિક કલેક્ટર અજય મોરે ગેરહાજર હતા ત્યારે તે તેમની ચેમ્બરમાં પણ જોવા મળી હતી. તેણે મોરેની સંમતિ વિના ઓફિસનું ફર્નિચર હટાવી દીધું હતું અને મહેસૂલ મદદનીશને તેના નામે લેટરહેડ, નેમપ્લેટ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું. ઉલ્લંઘનો સામે આવ્યાં પછી પુણેના કલેક્ટર સુહાસ દિવાસેએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો, જેના પગલે તેની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી. એક પ્રોબેશનરી સિવિલ સર્વિસ ઓફિસર પૂજા ખેડકરે પસંદગી પ્રક્રિયામાં છૂટછાટ મેળવવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સબમિટ કરેલી એફિડેવિટમાં પોતાને દિવ્યાંગ જાહેર કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તેના પિતા દિલીપ ખેડકરે (રાજ્ય સરકારના પૂર્વ અધિકારી)એ તાજેતરની લોકસભા ચૂંટણી લડતી વખતે તેની સંપત્તિનું મૂલ્ય 40 કરોડ રૂપિયા જાહેર કર્યું હતું. જોકે અધિકારીએ જણાવ્યું હતું કે પૂજા ખેડકર OBC કેટેગરી હેઠળ સિવિલ સર્વિસની પરીક્ષામાં હાજર રહી હતી, જ્યાં 'ક્રીમી લેયર' મર્યાદા 8 લાખ રૂપિયા વાર્ષિક પૈતૃક આવક છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.