પુણેમાં 21 વર્ષની યુવતી પર ગેંગરેપ:મિત્ર સાથે બોપદેવ ઘાટ ફરવા ગઈ હતી; ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમ દ્વારા આરોપીની શોધખોળ, એક શંકાસ્પદની ધરપકડ
મહારાષ્ટ્રના પુણેમાં 21 વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. કોંડવા પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે પુણેના બોપદેવ ઘાટ વિસ્તારમાં બની હતી. યુવતી તેના મિત્ર સાથે ઘાટ પર ફરવા ગઈ હતી, જ્યાં રાત્રે લગભગ 11 વાગ્યે ત્રણ લોકોએ તેના પર ગેંગરેપ કર્યો હતો. જો કે પોલીસને આ ઘટનાની જાણ શુક્રવારે સવારે 5 વાગ્યે કરવામાં આવી હતી. પુણેના જોઈન્ટ સીપી રંજન કુમાર શર્માએ જણાવ્યું કે આ કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીના 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચ અને ડિટેક્ટિવ બ્રાન્ચની 10 ટીમો બનાવવામાં આવી છે, જેઓ કોંડવા વિસ્તારમાં તપાસ કરી રહી છે. આરોપીએ યુવતીના મિત્રને માર માર્યો, કપડાથી બાંધી દીધો
જોઈન્ટ સીપી રંજન કુમારે કહ્યું કે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે યુવતી ઘાટના નિર્જન વિસ્તારમાં તેના મિત્ર સાથે ગઈ હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક આરોપી તેમની કાર પાસે આવ્યો અને કહ્યું કે આ વિસ્તારમાં કપલને આવવાની મંજૂરી નથી. આ પછી તેણે બંનેના ફોટોગ્રાફ્સ લીધા. આ પછી એક આરોપીએ યુવતીને ધમકાવીને બળજબરીથી પોતાની કારમાં બેસાડી દીધી. આરોપીએ તેના મિત્રને બાંધી દીધો હતો. આરોપીઓ યુવતીને અન્ય જગ્યાએ લઈ ગયા હતા અને તેમણે યુવતી પર ગેંગરેપ કર્યો હતો. યુવતી હોસ્પિટલમાં છે, તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આજે જ યુવતીનું નિવેદન નોંધશે. સુપ્રિયાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા
સુપ્રિયા સુલેએ X પર એક પોસ્ટમાં લખ્યું છે- પુણેમાં શું થઈ રહ્યું છે? બોપદેવ ઘાટમાં એક યુવતી પર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. પુણે અને સમગ્ર રાજ્યમાં મહિલાઓ પર હિંસાના બનાવો સતત વધી રહ્યા છે. ગૃહ વિભાગ તેને રોકવા માટે કંઈ કરી રહ્યું નથી. કમનસીબે કહેવું પડશે કે મહારાષ્ટ્ર મહિલાઓ માટે સુરક્ષિત નથી. સરકારે આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરવી જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.