ઉ. પ્રદેશમાં વીજળી પડતા 20ના મોત, રાજસ્થાનમાં ભારે પૂરની સ્થિતિ - At This Time

ઉ. પ્રદેશમાં વીજળી પડતા 20ના મોત, રાજસ્થાનમાં ભારે પૂરની સ્થિતિ


- વાદળ ફાટતા અટકાવાયેલી અમરનાથ યાત્રા ફરી શરૂ- દેશભરમાં વિજળી પડવાથી 24 કલાકમાં આશરે 50ના મોત, હિમાચલમાં પૂરને કારણે અનેક વાહનો ફસાયાનવી દિલ્હી : અનેક રાજ્યોમાં હાલ ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે વિજળી પડવાની ઘટના પણ વધવા લાગી છે. અગાઉ બિહારમાં વિજળી પડવાથી ૨૦થી વધુ લોકો એક જ દિવસમાં માર્યા ગયા ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ વિજળી પડવાની ઘટનામાં ૨૦ લોકો માર્યા ગયા છે. જેને પગલે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં વિજળી પડવાની ઘટનામાં ૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, કૌશંબી, ગાઝિપુર, ભાદોહીમાં સૌથી વધુ વિજળી પડવાની ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને માર્યા ગયેલાના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં લાહૌલ સ્પિતિમાં અત્યંત ભારે વરસાદને કારણે રોડ બંધ થઇ ગયા હતા. જેથી ૪૦થી વધુ વાહનો ફસાઇ ગયા હતા. જે પણ લોકો આ પૂરમાં ફસાયા છે તેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં પણ સતત બીજા દિવસે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. પશ્ચિમ રાજસ્થાનમાં સ્થિતિ વધુ કફોડી છે. ખાસ કરીને જોધપુરમાં અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. જેને પગલે અહીંની સ્કૂલ-કોલેજોને બંધ કરી દેવાઇ છે. જ્યારે ચાર ટ્રેનો રદ કરાઇ હતી અને પાંચને ડાયવર્ટ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જાલોરમાં સૌથી વધુ ૨૨.૪ સેમી વરસાદ પડયો છે. રાજસ્થાનના પ્રખ્યાત જિલ્લાઓ જેવા કે જયપુર, જોધપુર, જાલોરમાં સ્થિતિ વધુ કફોડી બની છે. બીજી તરફ ફરી વાદળ ફાટવાની ઘટનાને પગલે અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી હતી જેને બુધવારે ફરી શરૂ કરી દેવામાં આવી છે. વાદળ ફાટતા ફસાયેલા ૪ હજાર જેટલા શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.