સિક્કિમમાં ભારે વરસાદ-ભૂસ્ખલન:2 હજાર પ્રવાસીઓ ફસાયા, એકનું મોત, અનેક ગુમ
છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે સિક્કિમના ઉત્તર ભાગોમાં ભારે તબાહી મચાવી છે. ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો ઘર અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. સૌથી વધુ નુકસાન મંગન જિલ્લામાં થયું છે. અહીં 10 કલાકમાં 220 મિમીથી વધુ વરસાદ ખાબકતાં ગત વર્ષ 4 ઓક્ટોબર આવેલા ભીષણ પૂર બાદ બનેલો સાંગકલંગ પુલ પણ ગુરુવારે ધરાશાયી થયો હતો. તેના લીધે દજોન્ગુ, ચુંથથાંગ, લાચેન અને લાચુંગ સંપર્કવિહોણા થયા હતા. આ વિસ્તારોમાં હવે ન તો ફોન કનેક્ટિવિટી છે કે ન તો રસ્તા. રાહત-બચાવ કાર્યમાં જોડાયેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે પર્યટન સ્થળ લાચુંગ અને ચુંગથાંગમાં લગભગ 2 હજાર પ્રવાસીઓ ફસાયેલા છે. તેમને હેલિકોપ્ટર દ્વારા જ રેસ્ક્યૂ કરી શકાય તેમ છે, પરંતુ સતત વરસાદ અને ભૂસ્ખલનને લીધે હાલ હેલિકોપ્ટરનું ઉડાન શક્ય નથી. બીજી તરફ, દક્ષિણ સિક્કિમમાં તિસ્તા નદીમાં પૂર આવતાં ઘણાં ઘરો પાણીમાં ગરકાવ થયાં હતાં. ગત વર્ષે હિમનદ તળાવ ફાટતાં અચાનક આવેલા પૂરના લીધે 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.