થાણેમાં 2 બાળકીનું યૌન શોષણ, પોલીસ પર પથ્થરમારો:ટોળાએ સ્કૂલમાં તોડફોડ કરી, ટ્રેનો રોકી; આરોપીની ધરપકડ, સરકારે SIT બનાવી
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડર વચ્ચે થાણેના બદલાપુરમાં શાળામાં બે છોકરીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી સામે આવ્યા બાદ મંગળવારે ગુસ્સે ભરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાએ પહેલા શાળામાં તોડફોડ કરી અને પછી બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી. પોલીસે ભીડને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા, ત્યાર બાદ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. 23 વર્ષીય આરોપીએ 16 ઓગસ્ટના રોજ શાળાના બાથરૂમમાં છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું. છોકરીના માતા-પિતાએ એક દિવસ પછી FIR નોંધાવી. પોલીસે POCSO એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. વિસ્તારની મહિલા નિરીક્ષક શુભદા શિતોલેની બદલી કરવામાં આવી છે. શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. બદલાપુરમાં વિરોધ પ્રદર્શનની તસવીર... બદલાપુર બંધનું એલાન, શાળામાં પણ પ્રદર્શન
મંગળવારે સવારે 8 વાગ્યે ગુસ્સે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઉભા રહીને વિરોધ શરૂ કર્યો હતો. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ લોકોએ શાળાની અંદર ઘૂસીને પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા લોકોના વિરોધને કારણે કલ્યાણ-બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે. તેના વિરોધમાં અનેક સંગઠનોએ આજે બદલાપુર બંધનું એલાન આપ્યું છે. વિપક્ષે કહ્યું- મહારાષ્ટ્રને શરમાવે તેવી ઘટના
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુનેગારોને વહેલી તકે સજા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલા દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની હતી અને દોષિતોને સજા મળી હતી, પરંતુ કેટલા સમય પછી? ન્યાયમાં વિલંબ કરનારાઓને પણ દોષિત ઠેરવવા જોઈએ. તેનું રાજનીતિકરણ ન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આરોપ લગાવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ ઘટના મહારાષ્ટ્ર માટે શરમજનક છે. દરેકની માગ છે કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક પર થાય અને આરોપીઓને ત્રણ મહિનામાં ફાંસી આપવામાં આવે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.