ખાંભડાના હરદેવગીરીબાપુ ગોસ્વામીનું શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે રાજ્યપાલશ્રીના વરદહસ્તે ગૌરવપૂર્ણ સન્માન
(કનુભાઈ ખાચર દ્વારા)
ભારતીય કલા, સંસ્કૃતિના ઉત્થાન, પોષણ અને સંવર્ધન માટે સતત અવિરત પ્રયત્નશીલ રહેતી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા રવિવારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કર્ણાવતી ખાતે લોકમાતા મહારાણી અહલ્યાબાઈની ૩૦૦મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત એક ઐતિહાસિક ઉપક્રમ ‘મારી ગુણવંતી ગુજરાત - સંસ્કારોત્સવ ૨૦૨૪’નો ભવ્ય ઉપક્રમ ચરિતાર્થ થયો. ગુજરાતની કલાવંત ધરતીના ખુણે ખુણેથી ગોતી ગોતી મોતી જેવા શીરમોર કલાવાહકો, સાહિત્યકારો અને કલારત્નોનું સંસ્કાર સન્માન ૨૦૨૪ એવમ્ સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરી આ રૂડા અવસરે 28 કલાસાધકોને પોંખવા આવ્યા હતા.જણાવતાં ખૂબ ગૌરવ થાય કે ગુજરાતની એક એવી કલા કે જે લુપ્ત થવાનાં આરે છે એવી ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને સંસ્કાર સાથે મૂલ્યોનું દર્શન કરાવતી આખ્યાન કલાના સંવર્ધન અને પ્રસાર, પ્રચાર છેલ્લી બે પેઢીથી કરતાં ગુજરાતના બોટાદ જિલ્લાના , બરવાળાના ખાંભડા ગામના ખૂબ પ્રસિદ્ધ અને ખ્યાતનામ આખ્યાનકાર કૈલાસવાસી શ્રી પ્રભાતગિરિબાપુ ગોસ્વામીના પુત્ર અને વારસામા મળેલી આખ્યાનકલાને જીવંત રાખનાર શ્રેષ્ઠ આખ્યાનકાર શ્રી હરદેવગિરિબાપુનું શ્રેષ્ઠ આખ્યાનકાર અને સંસ્કાર વિભુષણ તરીકે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીના વરદ હસ્તે સંસ્કાર એવોર્ડ સન્માનપત્ર,સંસ્કાર વિભુષણ માનપત્ર,કચ્છી શાલ, ૧૧,૦૦૦₹ રોકડ પુરસ્કાર,અને સુંદર રામલલ્લાની પ્રસાદી ગીફ્ટ સાથે જાજરમાન સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાતના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માન.શ્રી જોરાવરસિંહજી જાદવ ઉપાધ્યક્ષશ્રી, સંગીત નાટક અકાદમી ન્યુ દિલ્હી, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી અભેસિંહજી રાઠોડ, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યાય અને આ ભવ્ય ઉપક્રમના સંયોજક માન. શ્રી રમણીકભાઈ ઝાપડિયા, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના મહામંત્રી શ્રી જયદીપસિંહ રાજપૂત, તથા અખિલ ભારતીય સંસ્કાર ભારતીના રાષ્ટ્રીય સ્તરે પ્રાચીન કલાના સંયોજક શ્રી ઓજસભાઈ હિરાણી, આર.એસ.એસ.ના ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકર સાથે અનેક માનવંતા મહેમાનો આ ઐતિહાસિક કાર્યક્રમમાં સામેલ થયા હતાં. સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં અને ગૌરવપૂર્ણ રીતે સ્ટેજ સંચાલન ગુજરાતના જાણીતા સ્ટેજ સંચાલક અને નેશનલ ઍવોર્ડિત શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચર 'પાર્થ' દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.