જાણો શા માટે મનાવવામાં આવે છે ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ - At This Time

જાણો શા માટે મનાવવામાં આવે છે ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ


*૮ ફેબ્રુઆરી - સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ*

જાણો શા માટે મનાવવામાં આવે છે ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ

ઇન્ટરનેટના આક્રમણ સામે આપણા પારિવારિક સંબંધો પણ અકબંધ અને હૂંફાળા રહેવા જરૂરી

ડિજિટલ વેલનેસ જાળવીએ : ઇન્ટરનેટનાં ઉપયોગની બાબતમાં સંતુલન અનિવાર્ય

જે રીતે આપણે સૌ મધર્સ ડે, ફાધર્સ ડે, વીમેન્સ ડેની ઉજવણી કરીએ છીએ તેવી જ રીતે “સેફર ઇન્ટરનેટ ડે”ની ઉજવણી પણ આજના સમયમાં ખૂબ જરૂરી બની ગઇ છે, પણ વાસ્તવમાં આ તમામ દિવસોની ઉજવણી રોજેરોજ થવી જોઈએ. આજે ઈન્ટરનેટ દરેક વ્યક્તિની મહત્વની જરૂરિયાત છે. કોઈપણ માહિતી મેળવવા માટે, પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. ત્યારે સલામત ઈન્ટરનેટ દિવસ નિમિત્તે લોકોને ઈન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આજે ઓનલાઇન પ્રાઈવસી અને સિક્યોરીટી ચિંતાનો વિષય બન્યો છે તેથી જ ઓનલાઇન સુરક્ષા બાબતે લોકોને જાગૃત કરવા માટે ૮ ફેબ્રુઆરીને સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ (Safer Internet Day) તરીકે મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ ડિજિટલ દુનિયાને વધુ સુરક્ષિત બનાવવાનો છે, જ્યાં દરેક વ્યક્તિ ટેક્નોલોજીનો જવાબદારીપૂર્વક, સન્માનપૂર્વક અને સર્જનાત્મક રીતે ઉપયોગ કરી શકે છે.

*સુરક્ષિત ઇન્ટરનેટ દિવસનો ઇતિહાસ*
સુરક્ષિત ઈન્ટરનેટ દિવસની શરૂઆત ૨૦૦૪માં યુરોપિયન યુનિયન (EU)ના એક પ્રોજેક્ટની પહેલ તરીકે થઈ હતી. લોકોને ડિજીટલ વિશ્વથી વાકેફ કરવા વર્ષ ૨૦૦૫થી સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ હવે વિશ્વના લગભગ ૨૦૦ દેશોમાં ઉજવવામાં આવે છે.

ઇન્ટરનેટ વાપરવામાં પણ બેલેન્સ જાળવવું જરૂરી છે. અહીં વાત માત્ર પ્રાઇવસીની નથી, સિક્યોરિટીની છે. ફોન, કમ્પ્યૂટર અને વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સને સિક્યોર રાખવાની રીતો સમજીને તેનો અમલ અનિવાર્ય છે.

*દરેક એકાઉન્ટની સિક્યોરિટી અતિ આવશ્યક*
દરેક એકાઉન્ટની સિક્યોરિટી તેના પાસવર્ડથી શરૂ થાય છે અને લગભગ ત્યાંથી જ તૂટે છે. ત્યારે એ જોવુ રહ્યું કે વિવિધ એકાઉન્ટ માટે પાસવર્ડ જુદા જુદા છે? યાદ ન રહે તેવા અઘરા છે? જ્યાં મળે ત્યાં ટુ-સ્ટેપ વેરિફિકેશન-એકાઉન્ટ રીકવરીની સવલતોનો લાભ લો છો? મહત્વનાં એકાઉન્ટનાં સેટિંગ્સ ચકાસી લો.

*દરેક ડિવાઇસની સિક્યોરિટી*
તમારો ફોન અને કમ્પ્યૂટર હંમેશાં લોક રહે છે? તેના પાસકોડ ભૂલી જાવ તો સહેલાઈથી મળે એમ સાચવ્યા છે? ફક્ત સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો તો લગભગ તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હશો! તેના વિના તમારા જ સ્માર્ટફોનમાં તમારી એન્ટ્રી અશક્ય છે. ફોનના હોમ સ્ક્રીન પર કે ફોનના કવરમાં તમારી અન્ય સંપર્ક વિગતો રાખી છે ને? આ બાબતો ખૂબ જરૂરી છે.

*સલામત બ્રાઉઝિંગ*
ઇન્ટરનેટનાં જોખમો વચ્ચે આપણી માટે ઢાલ જેવાં બ્રાઉઝરનાં વિવિધ સેફ્ટી ફીચર્સ તમે જાણો છો? ઓનલાઇન પેમેન્ટ કરતાં પહેલાં, વેબપેજ પરના એડ્રેસમાં લોકની નિશાની છે કે નહીં એ તપાસો. ફોન કે કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં કેટલા પાસવર્ડ સેવ છે તે જાણો.

*પરિવારના સભ્યોમાં ચર્ચા*
ઇન્ટરનેટને કારણે પરિવાર વચ્ચે સંવાદ ઘટતો જાય છે. બાળકો ઉપરાંત, પરિવારના જે સભ્યોને ઇન્ટરનેટનો વધુ પરિચય નથી એમને સાચો ઉપયોગ કરતા શીખવવું જરૂરી છે. ઇન્ટરનેટે દેશો વચ્ચેનાં અંતર ઘટાડ્યા પણ પરિવાર વચ્ચે અંતર વધારી દીધાં છે. આપણે પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા રહીએ છીએ. ઇન્ટરનેટના આક્રમણ સામે પારિવારિક સંબંધો પણ અકબંધ અને હૂંફાળા રાખવા જરૂરી છે.

*બાળકોના ઉપયોગ પર નજર*
બાળકોને વહેલો સ્માર્ટફોન પકડાવી દેવો કે પછી કંટાળીને ફોન ઝૂંટવવાની કોશિશ કરવી - આ બંને વાત જોખમી છે. ઓનલાઇન એજ્યુકેશન માટે હવે સ્માર્ટફોન ઉપયોગ અનિવાર્ય છે ત્યારે સંતાન ફોનમાં શું કરે છે, શું જુએ એ પણ જોવું આવશ્યક છે.

હવે સોશિયલ કે અન્ય દરેક સારી એપ યૂઝરને વધુ પડતા ઉપયોગ સામે ચેતવે છે કેમ કે ટેક્નોલોજીએ આંગળી આપી તો આપણે સીધો હાથ જ પકડી લીધો છે! દરેક એપના મર્યાદિત ઉપયોગના ફાયદા છે અને અતિરેકનાં નુકસાન છે. સંતુલન અનિવાર્ય છે.

મોટા ભાગના ડૉક્ટર્સને એ વાતે અકળામણ થઈ રહી છે કે ગૂગલ તેમનું હરીફ બની રહ્યુ છે! કોરોનાકાળમાં તેનો સૌથી વધુ અનુભવ થયો. હવે મોટા ભાગના લોકો ગૂગલ પાસેથી જ હેલ્થ ટીપ્સ લે છે જે વ્યાજબી નથી.

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.