રામનાથપરામાં પુત્રવધૂને તેડવા ગયેલ રિક્ષાચાલક પર વેવાઈનો છરીથી હુમલો - At This Time

રામનાથપરામાં પુત્રવધૂને તેડવા ગયેલ રિક્ષાચાલક પર વેવાઈનો છરીથી હુમલો


રામનાથપરામાં પુત્રવધૂને તેડવા ગયેલ રિક્ષાચાલકને વેવાણ, પુત્રવધુ અને અન્ય શખ્સે પકડી રાખી તેના વેવાઈ સુલેમાને છરીના બે ઘા ઝીંકી દેતાં તેઓને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે દૂધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતાં સુલતાનભાઈ નાથાભાઈ સોલંકી (ઉ.વ.52) એ એ.ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સુલેમાન અલ્લારખા બુધિયા, રસીદાબેન ઇમરાન સોલંકી અને રહેમતબેન સુલેમાન બુધિયા તથા એક અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ચલાવે છે
અને તેમના પુત્રના લગ્ન વર્ષ 2014 માં રામનાથપરા શેરી નં.2 માં રહેતા સુલેમાન બુધિયાની પુત્રી રસીદા સાથે થયેલ હતાં. પરંતુ તેના પુત્ર અને પુત્રવધુને મનમેળ ન રહેતા પુત્રવધુ બે વર્ષથી રિસામણે તેમના પિતાના ઘરે જતી રહેલ છે. ગઈકાલે રાત્રિના તેઓને વેવાઈ સુલેમાન બુધિયાનો ફોન આવેલ હતો અને કહેલ કે, મારી દીકરી રિસામણે છે તેનું તમારે શું કરવાનું છે? જેથી તેઓને કહેલ કે, હું હમણાં તમારા ઘરે પુત્રવધૂને તેડવા આવું છું કહીં બાદમાં તેમનાં ઘરે ગયેલ હતાં અને પુત્રવધૂને કહેલ કે, તમે તૈયાર થઈ જાવ હું તમને તેડવા આવ્યો છું,
કહેતાં સુલેમાન એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તેઓને તેમજ તેના પુત્ર મને ઇમરાનને ગાળો આપી સુલેમાનની પત્ની રહેમત, તેની પુત્રી રસીદા અને એક અજાણ્યાં શખ્સે તેમને પકડી રાખી સુલેમાને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી છરીના બે ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. બાદમાં તેઓ તેની રીક્ષા લઈ ત્યાંથી જીવ બચાવી નીકળી ગયાં હતાં અને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તેઓને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.