રાજકોટમાં 31 વર્ષીય યુવાનની મિત્રની નજર સામે જ છરીના ઘા ઝીંકી હત્યા - At This Time

રાજકોટમાં 31 વર્ષીય યુવાનની મિત્રની નજર સામે જ છરીના ઘા ઝીંકી હત્યા


રાજકોટ શહેર દિવાળીના તહેવાર પૂર્વે જ રક્ત રંજીત થયું હતું અને મોડી રાતે કુબલીયાપરા વિસ્તારમાં 31 વર્ષીય યુવાનની છરીના આડેધડ ઘા ઝીંકી બેહરેમીથી હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનક પીઆઈ એન.જી.વાઘેલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આરોપી નિરજ પરમાર નામના શખ્સને સકંજામાં લઈ તપાસનો ધમધમાટ આદર્યો હતો. બે વર્ષ પહેલાં કેરમ રમવા બાબતે મૃતક અને હત્યારા વચ્ચે થયેલ માથાકૂટ હત્યાના બનાવ સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરમાં કુબલીયાપરા શેરી નં.05, ખોડિયાર માતાજીના મંદિર સામે મચ્છી ચોક પાસે રહેતાં સતીષ વિઠ્ઠલભાઇ સોલંકી (ઉ.વ.31) મચ્છી ચોક પાસે ઈંડાં અને નોનવેજની લારી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે રાત્રે તે પોતાનો ધંધાનું કામ પુરુ કરી ઘરે ગયો હતો અને ત્યાંથી તે તેમની બાજુમાં જ રહેતાં મિત્ર ઉદય ઉર્ફે લાલા સાથે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બાઇકમાં જમવાનું લેવાં માટે બઝારમાં નીકળ્યાં હતાં. ત્યારે બાઈક સતીષ ચલાવતો હતો. બંને મિત્ર મચ્છી ચોક પાસે પહોંચતા ત્યાં અંધારામાં છુપાઈને બેસેલો નિરજ ધરમ પરમાર નામનો શખ્સ છરી સાથે બહાર આવ્યો હતો અને સતિષની બાઇકને આંતરી બાઈક ઉભી રખાવી હતી. બાદમાં આરોપીએ યુવાનને મારે તારી સાથે બાજવું છે કહીં ઝઘડો કરવાં લાગ્યો હતો.
પરંતુ સતિષે મારે તારી સાથે બાજવું નથી કહેતાં આરોપી ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલ છરીથી મૃતકની સાથળના ભાગે આડેધડ ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો.બાદમાં છરીથી થયેલ હુમલામાં લોહીલુહાણ થયેલ યુવાન ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. બનાવની જાણ થતાં યુવાનના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને 108 મારફતે તેને સારવારમાં ખસેડવામાં આવતો હતો.
ત્યારે રસ્તામાં જ યુવાને દમ તોડી દિધો હતો. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં યુવાનને ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી આરોપી નિરજ પરમારની શોધખોળ હાથ ધરી ગણતરીની કલાકોમાં પકડી પૂછતાછ હાથ ધરી હતી.
બનાવ અંગે મૃતકના મોટા ભાઈ રાકેશભાઈ ઉર્ફે રાજેશ વિઠ્ઠલભાઇ સોલંકીએ ફરીયાદ નોંધાવતા થોરાળા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતકના સબંધીએ જણાવ્યા અનુસાર મૃતક સતીષના સાત વર્ષ પહેલાં લગ્ન થયાં છે અને તે ત્રણ ભાઈમાં વચ્ચેટ હતો. તેના પિતાનું અગાઉ અવસાન થયેલ છે. મૃતક અને હત્યારા વચ્ચે બે વર્ષ પહેલાં કેરમ રમવા બાબતે માથાકૂટ થયેલ હતી. જેમનો ખાર રાખીને પણ આરોપીએ સતિષની હત્યા નિપજાવી હોય તેવું સામે આવી રહ્યું છે. યુવાન પુત્રના મોતથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.