કસુવાવડ બાદ બાંધકામ કોન્ટ્રાકટરના પરીવારે નવજાત મૃત શીશુને ઘરની બાજુમાં જ દફનાવ્યુ
શ્રધ્ધા સોસાયટીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાકટરની પત્નિએ અધુરા માસે જન્મ આપેલ મૃત બાળકને સ્મશાને દફનાવવાના બદલે જુની માન્યતાઓમાં આરૂઢ થઈ મૃતદેહને પોતાના સદગુરૂ પાર્કમાં આવેલ નવા મકાનની પાછળ દફનાવેલ હતો. જે બાબત પડોશીઓની જાણમાં આવતા પોલીસને જાણ કરેલ હતી. દોડી આવેલ આજીડેમ પોલીસની ટીમે મોડી રાત્રે બાતમીના સ્થળે ખોદકામ કરી નવજાતનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતો.
બનાવ અંગે વધુમાં આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે તેમને ગઈકાલે એક જાગૃત નાગરિકનો ફોન મળેલ હતો કે સદગુરૂ પાર્ક શેરી નં.3માં આવેલ કોમન પ્લોટમાં એક નવજાતનો મૃતદેહ દફનાવવામાં આવેલ છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મોડી રાત્રે ખોદકામ કરતા એક 6 માસની નવજાત ભ્રુણનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે જાણવા જોગ નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતો.
નવજાત બાળકના મૃતદેહ અંગે તપાસ કરતા ડી-માર્ટ વાળા રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલ શ્રધ્ધા સોસાયટીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાકટર ચેતનભાઈ ગોવિંદભાઈ સેલડીયાનું નવજાત શીશુ હોવાનું ખુલતા તેઓને જાણ કરેલ હતી. તેઓ પરિવાર સાથે સીવીલ હોસ્પીટલે દોડી આવ્યા હતા અને ચેતનભાઈએ જણાવેલ હતું કે તેઓની પત્નિ કોમલબેન ગર્ભવતી હોય જેઓને ગઈ તા.28ના પ્રસુતિનો દુ:ખાવો થતા શહેરની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડેલ હતા. જયાં તેઓને કસુવાવડ થઈ હતી અને છ માસનો મૃત શીશુને જન્મ આપ્યો હતો. તબીબોએ શીશુને મૃત જાહેર કર્યો હતો.
બાદમાં પરિવારજનોએ જુની માન્યતામાં આરૂઢ થઈ બાળકની છઠ્ઠી ન થઈ હોય અને બાળકનું મોત નીપજે તો તેમને આપણા આંગણે જ દફનાવવું જોઈએ જેથી અમારા સદગુરૂ પાર્ક શેરી નં.3માં બનેલા નવા મકાનની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં બાળકને દફનાવેલ હતો. બનાવ અંગે પોલીસે મૃત શીશુના પિતાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.