ચીનમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, VIDEO:શોપિંગ મોલમાં લાગેલી આગ બિલ્ડિંગમાં ફેલાઈ; 16 લોકો ભડથું, 30નું રેસ્ક્યૂ; જીવ બચાવવા મહિલા કૂદકો મારતી નજરે પડી - At This Time

ચીનમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, VIDEO:શોપિંગ મોલમાં લાગેલી આગ બિલ્ડિંગમાં ફેલાઈ; 16 લોકો ભડથું, 30નું રેસ્ક્યૂ; જીવ બચાવવા મહિલા કૂદકો મારતી નજરે પડી


ચીનમાં બુધવારે (17 જુલાઈ) એક મોટી દુર્ઘટના થઈ હતી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા. ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્ડિંગની અંદર પણ ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. તેમજ જીવ બચાવવા એક મહિલા બિલ્ડિંગ પરથી કૂદકો મારવાની કોશિશ કરતી વીડિયોમાં નજરે પડે છે. ડઝનબંધ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે
સરકારી મીડિયા સીસીટીવી અનુસાર, આગની માહિતી મળતાંની સાથે જ 300 ઈમર્જન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈમર્જન્સી વર્કર્સે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાંધકામનું કામ ચાલુ હતું, જેના કારણે સ્પાર્ક થયો અને પછી આગ ફાટી નીકળી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. આગ લાગવા પાછળનું કારણ જાણવા સૂચના
ચીનના ઈમર્જન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ દુર્ઘટનામાંથી બોધપાઠ શીખો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ભૂતકાળમાં પણ ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે. ડ્રોનથી આગ ઓલવવાની કામગીરી
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. કાળો ધુમાડો પણ નીકળી રહ્યો છે, જે દૂરથી દેખાઈ રહ્યો છે. આગ ઓલવવા માટે અગ્નિશામક દળના જવાનોએ માત્ર પાઈપનો સહારો જ નહીં, પરંતુ ડ્રોન દ્વારા આગ ઓલવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી. આગના બનાવોમાં 19 ટકાનો વધારો
ચીનમાં આગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. નેશનલ ફાયર એન્ડ રેસ્ક્યૂ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા લી વાનફેંગના જણાવ્યા અનુસાર, આ વર્ષે 20 મે સુધી એકત્ર કરાયેલા ડેટા અનુસાર, દેશભરમાં આગની 947 ઘટનાઓ બની છે. જો ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણી કરીએ તો આગની ઘટનાઓમાં 19 ટકાનો વધારો થયો છે. લીએ કહ્યું કે, હોટલ અને રેસ્ટોરન્ટ જેવાં સાર્વજનિક સ્થળોએ આગ લાગવાની ઘટનાઓમાં 40%નો વધારો થયો છે. આનું સૌથી સામાન્ય કારણ વીજળી અથવા ગેસ લાઇનમાં ખામી અને બેદરકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.