30 વર્ષના સાવકા બાપે બે વર્ષ જાતીય શોષણ કરતા 15 વર્ષની તરુણી ગર્ભવતી બની
- બે વર્ષ અગાઉ પરિવારના સભ્યો સુતા હતા ત્યારે મોઢું દબાવી દુષ્કર્મ બાદ ધમકી આપી અવારનવાર શોષણ કરનાર બાપની ધરપકડ સુરત, : સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણી સાથે બે વર્ષ અગાઉ પરિવારના સભ્યો સુતા હતા ત્યારે સાવકા પિતાએ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બે વર્ષથી સાવકા પિતાએ ધાકધમકી આપી છ થી સાત વખત દુષ્કર્મ આચરતા તરુણી ગર્ભવતી બની હતી. આ અંગે જાણ થતા તરૂણીની માતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 30 વર્ષના સાવકા પિતાની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી અને હાલ 14 વર્ષ 7 મહિનાની ઉંમરની સ્વીટી ( નામ બદલ્યું છે ) બે વર્ષ અગાઉ ધો.8 માં અભ્યાસ કરતી હતી ત્યારે ઘરમાં તેની 40 વર્ષીય માતા અને અન્ય સભ્યો સુતા હતા ત્યારે સાવકા પિતા અનિલ કિશોરભાઇ રાઠોડ ( ઉ.વ.30 ) એ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બે વર્ષથી અનિલ સ્વીટીને જો વાત તું કોઈને ઘરમાં કહીશ તો તને મારી નાંખીશ અને તું બદનામ થઇ જઈશ, તારી સાથે કોઇ લગ્ન નહીં કરે તેવી ધાકધમકી તેનું જાતીય શોષણ કરતો હતો. આ રીતે તેણે સ્વીટી સાથે છ થી સાત વખત દુષ્કર્મ કરતા હાલમાં સ્વીટીને માસિક નહીં આવતા તેની માતાએ પૂછ્યું તો તેણે સમગ્ર હકીકત જણાવી હતી.આથી તેની માતાએ આ અંગે સલાબતપુરા પોલીસમાં જાણ કરતા પોલીસે સ્વીટીનું તબીબી પરીક્ષણ કરાવ્યું તો તેને ત્રણ માસનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. સ્વીટીની માતાએ ગતરાત્રે પતિ અનિલ રાઠોડ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.