દિલ્હીના આશા કિરણ શેલ્ટર હોમમાં 14 લોકોનાં મોત:મેજિસ્ટ્રેટ તપાસના આદેશ, મંત્રીએ 48 કલાકમાં રિપોર્ટ માગ્યો; 6 વર્ષમાં 196નાં મોત થયાં - At This Time

દિલ્હીના આશા કિરણ શેલ્ટર હોમમાં 14 લોકોનાં મોત:મેજિસ્ટ્રેટ તપાસના આદેશ, મંત્રીએ 48 કલાકમાં રિપોર્ટ માગ્યો; 6 વર્ષમાં 196નાં મોત થયાં


રાજધાની દિલ્હીના રોહિણીમાં દિલ્હી સરકારના શેલ્ટર હોમ 'આશા કિરણ'માં રહેતા 14 માનસિક રીતે બીમાર લોકોના મોતની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ મામલાની માહિતી મળ્યા બાદ દિલ્હી સરકારે સમગ્ર મામલાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે અને 48 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે. ANIના અહેવાલ મુજબ, દિલ્હીના રોહિણીમાં સરકારી આશ્રયસ્થાન 'આશા કિરણ'માં જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં થયેલા 14 મૃત્યુના કેસમાં દિલ્હીના મંત્રી આતિશીએ એડિશનલ ચીફ સેક્રેટરી (મહેસૂલ)ને તાત્કાલિક મેજિસ્ટ્રિયલ તપાસ શરૂ કરવા જણાવ્યું છે. અને સમગ્ર મામલામાં 48 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. જેમની બેદરકારીથી આ મૃત્યુ થયા છે તેમની સામે પગલાં લેવાની ભલામણ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા સૂચનાત્મક પગલાં સૂચવવા પણ મંત્રીએ નિર્દેશ આપ્યો છે. આતિશીએ કહ્યું કે રાજધાની દિલ્હીમાં આવા ખરાબ સમાચાર સાંભળવા ખૂબ જ આઘાતજનક છે અને જો તે સાચા હોવાનું જાણવા મળે છે તો અમે આવી ભૂલો સહન કરી શકતા નથી. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. મોટાભાગના મૃતકોની ઉંમર 20થી 30 વર્ષની વચ્ચે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એક સરકારી અધિકારીએ જણાવ્યું, "જાન્યુઆરીમાં ત્રણ, ફેબ્રુઆરીમાં બે, માર્ચમાં એક, એપ્રિલમાં ત્રણ અને મેમાં શૂન્ય મૃત્યુ થયા હતા. જો કે, જૂન અને જુલાઈમાં સંખ્યામાં ચિંતાજનક વધારો થયો હતો," સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 20થી 30 વર્ષની વયના હતા અને મૃત્યુનું કારણ ફેફસામાં ચેપ, ટીબી અને ન્યુમોનિયા સહિત વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું કે રોહિણી સ્થિત દિલ્હી સરકાર સંચાલિત બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં હજુ બે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી છે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે એવા કિસ્સાઓ પણ છે જેમાં લોકોમાં કુપોષણના ચિહ્નો દેખાયા છે. ફૂડ પોઈઝનિંગની શક્યતાને નકારી કાઢવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. SDMનું નિવેદન રોહિણીના SDM મનીષ વર્માએ કહ્યું, 'આ સમાચાર મળતા જ અમે તરત જ તપાસ શરૂ કરી દીધી છે. જે માહિતી સામે આવી છે તે બિલકુલ સાચી છે. પાછલા મહિનાઓ અને ગયા વર્ષની સરખામણીમાં મૃત્યુદરમાં વધારો થયો છે. જ્યારે અમે આ અંગે દેખરેખ રાખતા ડેપ્યુટી ડાયરેક્ટરને પૂછ્યું તો તેમણે પણ આ સંખ્યા વધુ હોવાનું કબૂલ્યું. બાળકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો ન હોવાથી સાચું કારણ શું છે તે તેઓ કહી શક્યા નથી. રિપોર્ટ આવ્યા બાદ તે જણાવશે. અમે તેમને સૂચન કર્યું છે કે તેઓ પાણીની તપાસ કરાવે, પાણીનું ફિલ્ટર બદલાવી લે અને ખાણી-પીણીનો પહેલા ટેસ્ટ કરે અને પછી જ સર્વ કરે. તેમણે આ બધી બાબતો પર ધ્યાન આપ્યું છે અને કહ્યું છે કે તમામ એક્વાગાર્ડ બદલી દેવામાં આવ્યા છે. મહિલા આયોગ થયું સક્રિય
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ આશા કિરણના મૃત્યુ અંગે કહ્યું, 'અમે ઘટનાસ્થળે ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ મોકલી રહ્યા છીએ. આ ટીમ માનસિક સ્વાસ્થ્ય દર્દીઓના મૃત્યુ માટે જવાબદાર તમામ અધિકારીઓને મળશે. એવા કોણ લોકો છે જેમને આ આશ્રયસ્થાનો ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે? શું આવા દર્દીઓએ હોસ્પિટલમાં ન રહેવું જોઈએ? અમે દિલ્હી સરકાર દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર્સનું પણ ઓડિટ કરી રહ્યા છીએ. AAPએ ભાજપ પર નિશાન સાધ્યું
દિલ્હીના આશા કિરણમાં થયેલા રહસ્યમય મોતના મુદ્દે દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું, 'BJP વિરોધ કરવા આવી રહી છે પરંતુ તે માતા-પુત્રના મોત પર વિરોધ કરવા મયૂર વિહાર નથી ગઈ, તે ભાગીને આશા કિરણ પાસે પહોંચી કારણ કે તેઓેને ખબર છે કે તે દિલ્હી સરકાર હેઠળ આવે છે. સંબંધિત મંત્રીઓ આ મામલા પર નજીકથી નજર રાખી રહ્યા છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં. દિલ્હી સરકાર લોકોની સાથે છે. આશા કિરણમાં 6 વર્ષમાં 196ના મોત દિલ્હી સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત 350 લોકોને સમાવવાની ક્ષમતાવાળું આ આશ્રય ગૃહની સ્થાપના 1989માં રોહિણી સેક્ટર-1માં કરવામાં આવી હતી. તે સમયે સમગ્ર ઉત્તર ભારતમાં માનસિક વિકલાંગો માટે તે એકમાત્ર સરકારી આશ્રયસ્થાન હતું. જો કે, આશા કિરણ છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા મૃત્યુના કારણે વિવાદોમાં ઘેરાયેલી છે. રેકોર્ડ મુજબ 2011થી 2017ની વચ્ચે આશા કિરણમાં 123 પુરૂષો અને 73 મહિલાઓના મૃત્યુ થયા હતા. 2008-09માં નવેમ્બર અને ડિસેમ્બરમાં 16 મૃત્યુ થયા હતા. ડિસેમ્બર અને જાન્યુઆરી 2009-10 વચ્ચે કુલ 23 લોકો મૃત્યુ પામ્યા. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2012-13 વચ્ચે નવ, ઓક્ટોબર અને નવેમ્બર 2013-14માં 13, એપ્રિલ-મે 2014-15માં 11 અને નવેમ્બર-ડિસેમ્બર 2015-16માં 13 મૃત્યુ થયા હતા, જ્યારે 2017-18ના નવેમ્બર-ડિસેમ્બર સમયગાળામાં સાત મૃત્યુ થયા હતા. દરેક મૃત્યુની માહિતી મેળવ્યા પછી સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને રિપોર્ટ મોકલવો પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.