ચોમાસાનો એક મહિનો:જૂનમાં 10 ટકા ઓછો વરસાદ, 10 રાજ્યમાં હજુ પણ મેઘમહેર નહીં - At This Time

ચોમાસાનો એક મહિનો:જૂનમાં 10 ટકા ઓછો વરસાદ, 10 રાજ્યમાં હજુ પણ મેઘમહેર નહીં


ચોમાસાનો પ્રથમ મહિનો જૂન હવે સમાપ્ત થયો એટલે કે ચોમાસાનો ચોથો ભાગ પસાર થયા પછી દેશમાં 10.9% વરસાદની ઘટ સર્જાઈ છે. સામાન્ય રીતે 165.3 મિમી વરસાદ પડવો જોઈતો હતો પરંતુ 30 જૂન સુધી માત્ર 147.2 મિમી વરસાદ નોંધાયો છે. 8થી 26 જૂન વચ્ચે સતત સામાન્યથી ઓછો વરસાદ થયો, ખાસ કરીને 10થી 18 જૂન વચ્ચે વરસાદમાં ભારે અછત સર્જાઈ. 19 જૂનથી વરસાદમાં સુધારો આવ્યો અને છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ થયો જેના લીધે 26 જૂને વરસાદમાં જે 20% ઘટ હતી તે 30 જૂને માત્ર 10.9% થઈ હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશનાં 20 મોટાં રાજ્યોમાંથી માત્ર 4 રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 10 રાજ્યમાં સામાન્ય અને 10માં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ચોમાસાને પ્રભાવિત કરતા મુખ્ય પરિબળોમાંનું એક મેડન જુલિયન ઓસિલેશન (એમજેઓ) જૂનની શરૂઆતમાં ખૂબ જ નબળું હતું અને જૂનના અંત સુધીમાં તે મજબૂત બન્યું અને હિન્દ મહાસાગર તરફ આગળ વધ્યું. આ વખતે જૂન મહિનામાં બંગાળની ખાડીમાં માત્ર એક લાૅ પ્રેશરનું ક્ષેત્ર રચાયું હતું અને ત્રણ દિવસ સુધી સક્રિય રહ્યું હતું. જ્યારે જૂનમાં સામાન્ય રીતે ત્રણ ઓછાં દબાણવાળાં ક્ષેત્ર વિકસિત થાય છે અને તેની સક્રિયતા 11 દિવસ સુધી રહે છે. બંગાળની ખાડીના કારણે ચોમાસું ખૂબ નબળું પડી રહ્યું છે. ઉત્તર-પૂર્વનાં 3 રાજ્યોમાં અછત
ર્થ-ઈસ્ટનાં 7 રાજ્યોમાંથી સિક્કિમમાં સામાન્યથી વધુ(+62%), અરુણાચલ(+1%), આસામ(+18%) અને ત્રિપુરા(+13%)માં સામાન્ય વરસાદ નોંધાયો. નાગાલેન્ડ(-24%), મણિપુર(-57%) અને મિઝોરમ(-33%)માં સામાન્યથી ઓછો વરસાદ થયો. જૂન-2024: સૌથી વધુ હીટવેવના દિવસો નોંધાયા, અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો
દેશના તમામ વેધર પેટા વિભાગો સહિત આ વર્ષે જૂનમાં 181 હીટવેવ દિવસો હતા, જે ઇતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલાં 2010માં 177 દિવસ હીટવેવ હતા. જૂનમાં સામાન્ય રીતે 4-5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે પરંતુ આ વખતે માત્ર ત્રણ જ પસાર થયાં. જૂન મહિનો દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર માટે ઇતિહાસનો સૌથી ગરમ મહિનો હતો. આગળ શું: જુલાઈમાં પણ ચોમાસું ભારે રહેશે, 106% વરસાદની અપેક્ષા
જુલાઈમાં પણ દેશમાં ચોમાસું ભારે છે. જૂનના છેલ્લા ચાર દિવસમાં ચોમાસાએ જે ગતિ પકડી છે તે જુલાઇમાં પણ ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગનો અંદાજ છે કે જુલાઈમાં દેશભરમાં 106% વરસાદ પડશે. જુલાઈના અંતમાં લા-નીનાની સ્થિતિ ઊભી થવાના સંકેતો છે જે વરસાદ માટે સાનુકૂળ સાબિત થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.