અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી “21₹ બિલ્વપૂજા સેવા” —–
અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી "21₹ બિલ્વપૂજા સેવા"
અગાઉ મહાશિવરાત્રી પર વિક્રમજનક 1.40 લાખ પૂજા નોંધાયા બાદ ટ્રસ્ટની 21₹ બિલ્વપુજા શ્રાવણના 60 દિવસ ફરી પ્રારંભ કરવામાં આવી
18 જુલાઈ થી લઈને 15 સપ્ટેમ્બર સુધી 21₹ ન્યોછાવર કરી ભકતો ઘરેબેઠા નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપુજા
સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય
ભકતોને 21₹ બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ
દિપક જોષી. દ્વારા....
અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. "21₹ બિલ્વ પૂજા સેવા".
અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે આ વિશેષ "21₹ બિલ્વપુજા સેવા" શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. 1.40 લાખ થી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયુ છે કે
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપો નાશ પામે છે.
ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને 21₹ ની ન્યોછાવર રાશિ થી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.
ગત મહાશિવરાત્રીના 1 જ દિવસ માટે આ બિલ્વપુજા પ્રારંભ કરવામાં આવી હતી જેને ભાવિકોનો વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો. તમામ અપેક્ષાથી ઉપર જઈને દેશ ભરમાંથી 1.40 લાખ થી વધુ ભક્તોએ આ બિલ્વપુજા નોંધાવી હતી. અને શ્રી સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોને મેસેજના માધ્યમથી બિલ્વ પૂજાની લાઈવ પ્રસારણ લિંક પણ મોકલી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુજ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા.
ત્યારે શ્રાવણ અને અધિક શ્રાવણ માસમાં ટ્રસ્ટનીઆ આઇકોનિક 21₹ બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેમાં પણ સતત 60 દિવસ સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે જેથી એક નવા વિક્રમ તરફ આ પૂજા આગળ વધશે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://sormnath.org/ShortTermPooja/ અથવા somnathprasad.com, અથવા ટ્રસ્ટના પૂજાવિધિ કાઉન્ટર પર રૂબરૂ જઈને 18 જુલાઈ થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન પુજા નોંધાવી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.