સીપી કચેરીએ આપઘાતનો પ્રયાસ કરવાના ગુન્હામાં હકુભા ખીયાણીને પકડવામાં બેદરકારી રાખનાર પીએસઆઈ સસ્પેન્ડ
બે દિવસ પૂર્વે ભીસ્તીવાડના હિસ્ટ્રીશીટર હકુભા ખીયાણી અને તેના પરિવારે તેજ વિસ્તારમાં રહેતી સગીરા અને તેના પરિવારને એક લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી મામલે કારમાં અપહરણ કરી સગીરા પર દુષ્કર્મ આચરવાના મામલે પોલીસમાં ઘેરા પડઘા પડયા હતા. અને નવરાત્રી સમયે આ જ મામલે હિસ્ટ્રીશીટરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપીને પકડવામાં ટુંકા પડેલ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ કમલેશ ભગોરાને પોલીસ કમિશ્નરે સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ચર્ચા જાગી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર જામનગર રોડ પર તોપખાના વિસ્તારમાં રહેતા મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં જણાવ્યું હતું કે જેઓને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. તેઓએ તેમના મકાન પર નિતલબેન એઝાજ ખીયાણી પાસેથી મકાન પર દોઢ લાખ રૂપિયા લીધેલ હતા. જે પૈસા તેઓ ચુકવી ન શકતા પોલીસ કેસ કરેલ હતો. જે મામલે નિતલબેનની પોલીસે ધરપકડ કરેલ હતી. જે મામલે બાદમાં બન્ને વચ્ચે સમાધાન થઈ ગયેલ હતા.
બાદમાં નિતલબેનને તેના પતિ સાથે છુટાછેડા થઈ ગયેલ હતા. બાદમાં હકુભા ખીયાણી, મીરઝાદ ખીયાણી અને અઝાજની બીજી પત્ની સોની ગઈ તા.19/10/2023ના તેના ઘરે ધસી આવેલ અને તે પૈસા અમારા હતા તે અમને પાછા આપવા પડશે કહીં ગાળો આપી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. તેમજ બીજા દિવસે અલી નામનો શખ્સ તેમના ઘરે આવેલ અને તેણે પણ રૂપિયા મામલે મારી નાખવાની ધમકી આપતા તેમની સગીર પુત્રી ભયભીત થઈ પોલીસ કમિશ્નર કચેરીએ અરજી આપવા ગયેલ હતી.
જયાં તેને વંદા મારવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે મામલે સોની એજાજ ખીયાણી, મીરઝાદ હકુભા ખીયાણી અને અલી સામે આઈપીસીની કલમ 323, 504, 506 (2), 114 હેઠળ ગુનો નોંધાયો હતો. જેમની તપાસ તે સમયે હેડ કોન્સ. કમલેશ ભગોરાને સોંપવામાં આવેલ હતી. તે સમય તપાસ કરતા કમલેશ ભગોરાએ સોની ખીયાણીની ધરપકડ કરી હતી. અને અન્ય આરોપીને પકડવામાં તેમનો પનો ટુંકો પડતા બે માસ બાદ પોલીસના ભય વગર બીન્દાસ્ત ફરતા હિસ્ટ્રીશીટર હકુભા ખીયાણીએ ફરી તેનું પોત પ્રકાશી સગીરાનો બે બે વખત દેહ ચુંથી દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો.
જે મામલે બે માસ પૂર્વે બનેલ ઘટનામાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે કડક વલણ અપનાવતા આરોપીઓને પકડવામાં બેદરકારી દાખવનાર હાલ પીએસઆઈ તરીકે પ્ર.નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કમલેશ ભગોરાને સસ્પેન્ડ કરી આકરી કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.