રીક્ષાની ચોરી કરી ભાડે પણ ચલાવવા લાગ્યો: રીક્ષા ચોર ઝબ્બે
ચુનારવાડ ચોક પાસે રાત્રીના રિક્ષા પાસે ઊંઘી રહેલા ચાલકની ઊંઘમાં ખલેલ પહોંચાડયા વગર અજાણ્યો શખ્સ રિક્ષાની ચોરી કરી ગયો હતો.જે અંગે ગુનો નોંધાયા બાદ થોરાળા પોલીસે તપાસ કરી ગંજીવાડા નજીકથી ચોરાઉ રિક્ષા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પુછતાછમાં તેને કોઇ ભાડે રિક્ષા આપતું ન હોય જેથી તક જોઇ રિક્ષા ચોરી કરી લીધી હતી.
તેમને રિક્ષાથી તેણે કેટલાક ભાડા કરી રોકડી પણ કરી લીધી હતી. બનાવ અંગે ભાવનગર રોડ ચુનારાવાડ પાસેથી જુનાગઢના ચંદુભાઇ રામજીભાઇ શેખાની રૂા. 1 લાખની કિંમતની જીજે-03-બીયુ-3504 નંબરની રિક્ષા ચોરાઇ ગઇ હતી. તેઓ રિક્ષા રિપેર કરાવવા આવ્યા હતાં. રાત્રીના દુકાન બંધ હોય જેથી તે ચુનારાવાડ ચોક પાસે પેટ્રોલ પંપ પાસે રિક્ષા સાઇડમાં રાખી તેની બાજુમાં પાથરણું પાથરી ઊંઘી ગયો હતો.
સવારે પાંચ વાગ્યે ઊંઘ ઉડતા માલુમ પડયું હતું કે તેની રિક્ષા ચોરી થઇ ગઇ છે.જેથી તેણે આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી .ચોરીના આ બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી તથા તેમની ટીમ તપાસમાં હતી
દરમિયાન ડી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર અને કોન્સ. જયરાજસિંહ કોટીલાને મળેલી બાતમી પરથી પોલીસે ગંજીવાડા પીટીસીની દિવાલ નજીકથી કશ્યપ રમણીકભાઇ ઝંઝવાડીયા (ઉ.વ.25-રહે. હોસ્પિટલ ચોક પૂલ નીચે ફૂટપાથ પર)ને આ ચોરાઉ રિક્ષા સાથે પકડી લઇ ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં આરોપી કશ્યપ હાલ રાજકોટમાં ફૂટપાથ પર રહી રખડતું જીવન જીવતો હોઇ તેને ભાડેથી ફેરવવા માટે કોઇ રિક્ષા આપતું ન હોવાથી તેણે ચુનારાવાડ નજીક રિક્ષાચાલક રીક્ષા પાસે ઊંઘતો હોય મોકો જોઇ રીક્ષા હંકારી ગયો હતો.આ રિક્ષાથી તેણે અમુક ભાડા કરી રોકડી પણ કરી લીધી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.