વડોદરા : નવલખી કૃત્રિમ તળાવમાં ત્રણ મહિના બાદ પણ શ્રીજીની વિસર્જિત મૂર્તિઓ જેમ તેમ પડી રહી છે. - At This Time

વડોદરા : નવલખી કૃત્રિમ તળાવમાં ત્રણ મહિના બાદ પણ શ્રીજીની વિસર્જિત મૂર્તિઓ જેમ તેમ પડી રહી છે.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સમગ્ર સભામાં શહેરના સમા , દંતેશ્વર સહિતના તળાવોમાં જંગલી વનસ્પતિ અને વેલા ઊગી નીકળતા તેની સફાઈ કરવા સહિત શહેરના તમામ તળાવ સ્વચ્છ રાખવા માંગ કરવામાં આવી હતી , પરંતુ કોર્પોરેશનને ગણેશની મૂર્તિઓના વિસર્જન માટે નવલખી મેદાનમાં જે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું , ત્યાં હજી પણ વિસર્જિત મૂર્તિઓ અને મૂર્તિઓનો કાટમાળ છેલ્લા ત્રણ મહિનાથી ગંદા થઈ ગયેલા પાણીમાં પડીને સડી રહ્યો છે . કોર્પોરેશન દ્વારા શહેરમાં ગણેશ ઉત્સવ વખતે આશરે 60 લાખના ખર્ચે શહેરના ચાર ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવ્યા હતા . જેમાં સૌથી મોટું નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું . જે તે સમયે કોર્પોરેશને શ્રીજી વિસર્જન બાદ વિસર્જિત મૂર્તિઓને લાગણી ન દુભાય તેમ યોગ્ય રીતે નિકાલ કરવા સ્વીકાર્યું હતું , પરંતુ આજે ત્રણ મહિના પછી પણ નવલખી કૃત્રિમ તળાવ ની હાલત વિસર્જિત મૂર્તિઓ અને તેના કાટમાળ તેમજ બીજા કચરાને લીધે ગંદકી વકરતા બદતર બની છે . સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટના કહેવા મુજબ આ મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવી છે . કેમ કે આ રીતે મૂર્તિઓ વિસર્જિત થયા બાદ તેની જે હાલત થાય છે તેનાથી લાગણી દુભાય છે . હરણી વિસ્તારના કૃત્રિમ તળાવ પણ મૂર્તિઓના વિસર્જન બાદ હાલત બદતર થતા તળાવમાં પાણી ભરી દેવામાં આવે છે , અને પાણી ભરેલું રહેતા પીઓપી ધીમે ધીમે નીચે બેસતું જાય છે . વડોદરા કોર્પોરેશન એ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને વ્યવસ્થિત રીતે નિકાલ લાવવો જોઈએ . જો કે કોર્પોરેશનનું તંત્ર પણ વિસર્જિત મૂર્તિઓનો લાગણી ન દુભાય તે રીતે ક્યાં નિકાલ કરવો તે મુદ્દે મૂંઝવણ અનુભવી રહ્યું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.