સુરવા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ અજુડિયાએ પ્રાકૃતિક ખેતીથી બમણી આવક મેળવી - At This Time

સુરવા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ અજુડિયાએ પ્રાકૃતિક ખેતીથી બમણી આવક મેળવી


સુરવા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ અજુડિયાએ પ્રાકૃતિક ખેતીથી બમણી આવક મેળવી
------
૮ વીઘા જમીનમાં શેરડી, મગફળી, ઘઉં, સોયાબીન, બાજરી સહિતના પ્રાકૃતિક પાકોનું ઉત્પાદન મેળવે છે
------
સાત દિવસની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિર કરી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય લીધો
-------
ગીર સોમનાથ તા.૨૧: તાલાલા તાલુકાના સુરવા ગામે રહેતા મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ અજુડિયા વર્ષ ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. પોતાની ૮ વીઘા જમીનમાં શેરડી, મગફળી, ઘઉં, સોયાબી, બાજરી, અડદ, મગ સહિતના પ્રાકૃતિક પાકો લઈ રહ્યા છે. જેથી તેમની આવકમાં પણ બમણો વધારો થયો છે.

પ્રાકૃતિક ખેતી કરતા મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં ૭ દિવસની જામકંડોરણા તેમજ અમદાવાદ ખાતે સુભાંષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબીર માસ્ટર ટ્રેનરની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ ૧૦૦% પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રાકૃતિક ખેતી માટે સોશ્યિલ મીડિયા, પુસ્તકો અને આત્મા પ્રોજેકટ દ્વારા માહિતી મેળવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

રસાયણિક ખેતીથી ખેતી ખર્ચ વધી જતો હતો અને ઉત્પાદન પણ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું તેમજ જમીનમાં પાણીનો પ્રશ્ન રહેતો સાથે જ જૈવિક તત્વોનો પણ નાશ થયો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત ૮ વિઘા જમીનમાં કરી તેમાં શેરડી, મગફળી, ઘઉં, સોયાબીન, બાજરી, તલ, મગ, અડદ, સૂર્યમુખી, મકાઇ, તુવેર, ચણા, ધાણા, હળદર જેવા પાકોનું ઉત્પાદન મેળવી રહ્યો છું.

પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતું ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી વેચાણ પણ કરવામાં આવે છે. તેના લીધે મારી આવક બમણી થઈ છે. કેમિકલ ઉપયોગથી ખેત ઉત્પાદનમાં નફો ઓછો હતો. જ્યારે પ્રાકૃતિક ખેતીનો નફો ૪ લાખથી વધુ થાય છે. આથી મહેન્દ્રભાઈ પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવતા થયા છે.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન મેળવતા પાક પર જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, તેમજ પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવાથી પાક તેમજ જમીનના ઉત્પાદન, ક્વોલીટીમાં સુધારો જોવા મળ્યો છે. જમીનમાં સેંદ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની છે. ડ્રીપ તેમજ આચ્છાદન પિયત ઓછુ આપવું પડે છે.

૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image