શિતલ પાર્ક પાસે ઢોર પકડ પાર્ટીએ માલધારી યુવાનને બેફામ લમધાર્યો:આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે એક ઘાયલ યુવાનને મનપાની ઢોર પકડ પાર્ટી અને વિજિલન્સનો સ્ટાફ લઈને આવ્યો હતો.તેમજ યુવાનની સારવાર શરૂ થઈ ત્યારે તેણે આક્ષેપ કર્યા હતા કે ઢોર પકડ પાર્ટીએ તેના વાહનને પાછળથી હડફેટે લેતા વાહન સ્લીપ થયું હતું અને બાદમાં માર માર્યો હતો.જ્યારે સામાપક્ષે ઢોર પકડ પાર્ટીએ કહ્યું હતું કે,તે યુવાન ગાયો હાંકવા ગયો અને તેમાં વાહન સ્લીપ થતા પડી ગયો અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે હાલ સામસામે આક્ષેપો થતા ગાંધીગ્રામ પોલીસે હકીકત જાણ્યા બાદ કાર્યવાહી કરવા તજવીજ આદરી છે. વધુ વિગતો મુજબ,ગાંધીગ્રામના અક્ષરનગર નગરમાં રહેતા આલોક ભરતભાઈ ધોળકિયા(ઉ.વ.20)નામના યુવાને પોતે શિતલ પાર્ક ટોઈંગ સ્ટેશન પાસેથી બજરંગવાડી જવાના રસ્તે હતો ત્યારે મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીએ મારમાર્યાના આક્ષેપ સાથે સારવારમાં ખસેડાયો હતો.આલોક હોસ્પિટલમાં દાખલ થયા બાદ કેટલાક પશુપાલકો તક જોઈને ટોળા ભેગા કરી મનપાની ઢોર પકડ ઝુંબેશ સામે મોરચો માંડ્યો હતો.
યુવકનું વાહન સ્લીપ થયું હોય તો પીઠ પર લાલ ચાંભા કેમ?એ અંગે પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે. આલોકે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,ગઈકાલે સાંજે આઠેક વાગ્યે ઢોર પકડ પાર્ટી નીકળી હતી અને પોતે તેની ગાયો લઈ જતો હતો ત્યારે મનપાનો સ્ટાફ ફૂલ સ્પીડે ગાડી હંકારી આવ્યો અને અગાઉ ગાયો ભગાડી મૂકી તેનો ખાર રાખી બે ત્રણ વ્યક્તિએ મારમાર્યો હતો.તેમજ બે બોલેરોની વચ્ચે દબાવી દીધો હતો.ત્યારબાદ ઢોર પકડ પાર્ટીની સાથે રહેલા સ્ટાફે ધોકાવ્યો હતો.
જોકે બીજી બાજુ એવી ચર્ચા પણ થઈ રહી છે કે આલોક મુખ્ય માર્ગો પર ઉભો રહી ઢોર પકડ પાર્ટીને જુએ ત્યારે તે પશુ પાલકોને જાણ કરી રખડતા ઢોર પોતાના વાડામાં લઇ લેવા કહે છે.આલોકે વધુમાં જણાવ્યું કે,હું એક્ટિવાની ડેકીમાં રૂ.1 લાખ લઈ માર્કેટીંગ યાર્ડ મારા ભાઈને આપવા જતો હતો ત્યારે ઢોર પકડ પાર્ટીએ બોલેરો માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે યુવક કામગીરીને અડચણરૂપ બનતા વિજીલિન્સની ટીમે તેની સામે ફરજ રૂકાવટની ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે.
આ મામલે મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારી ડો. જાકાસણિયાએ જણાવ્યું હતું કે શિતલ પાર્ક મેઇન રોડ પર એરપોર્ટની પાછળ રખડતા પશુઓની ખુબ ફરિયાદ છે અને સ્ટાફ ત્યાં જાય એટલે કેટલાક શખ્સો વાહન લઈને ગાયો હાંકીને ભગાડી દેતા હોય છે. આવી જ રીતે ઢોરને ભગાડવા યુવાન પાયલોટિંગ કરી રહ્યો હતો.તેવામાં સ્ટાફ પહોંચતા તે ગભરાઈને ભાગ્યો હતો તેમાં તેનું સ્કૂટર સ્લીપ થતા પડી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.