રાજકોટ : પત્ની 3 દિવસ સુધી પતિને ફોન કરતી રહી, શંકા જતા સસરાને જાણ કરી, ઘર ખોલીને જોયું તો દીકરાની લટકતી લાશ મળી
રાજકોટની ભાગોળે આવેલા મુંજકા ગામ પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતો યુવાને પોતાના ઘરની લોબીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.યુવાનની પત્ની બાળકો સાથે દશામાના વ્રત કરવા માટે બહાર ગામ ગઇ હોય તે પતિને ફોન કરતી હોય પણ ત્રણ દિવસથી પતિ ફોન ન ઉપડતો હોય તેણે કાળાસર રહેતા સસરાને જાણ કરી હતી. જેથી તેઓએ અહીં આવી તપાસ કરતા પુત્ર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. યુવાને કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરની ભાગોળે મુંજકા ગામ પાસે આવેલા આવાસ યોજના ક્વોટરમાં રહેતા રજનીશ ઉર્ફે વિપુલ બાવજીભાઈ વાઘેલા(ઉ.વ 30) નામના યુવાને પોતાના ઘરે લોબીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. જે બનાવની જાણ થતા 108 એ અહીં આવી જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેરે અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર રજનીશ વાઘેલા બે ભાઈ ત્રણ બહેનના પરિવારમાં નાનો હતો, તેને સંતાનમાં એક પુત્ર છે. યુવાન ટીપરવાનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો.
યુવાનીની પત્ની બાળક સાથે પાંચેક દિવસ પૂર્વે દશામાના વ્રત કરવા માટે પોતાના વતન ગઈ હતી અને યુવાન ઘરે એકલો હતો. પત્ની કાનુબેન છેલ્લા ત્રણેક દિવસથી પતિ રજનીશને ફોન કરતી હતી પરંતુ પતિ ફોન ન ઉપાડતા તે ચિંતામાં મુકાઇ હતી. જેથી તેણે આ બાબતે જસદણના કાળાસર ગામે રહેતા પોતાના સસરા બાવજીભાઈ મંગાભાઈ વાઘેલાને જાણ કરી હતી. ત્યારબાદ બાવજીભાઈ તાકીદે રાજકોટ પહોંચી ગયા હતા અને અહીં મુજકા પાસે આવાસ યોજના ક્વાર્ટરમાં પહોંચી પુત્ર અંગે તપાસ કરી હતી. અહીં તેમણે દરવાજો ખખડાવતા પુત્રે દરવાજો ખોલ્યો ન હતો બાદમાં જેમ તેમ કરી દરવાજો ખોલી અંદર જોતા લોબીમાં પુત્રને લટકતી હાલતમાં જોઈ તેઓ આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા.
યુવાનોના મૃતદેહ જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુવાને બે દિવસ પૂર્વે ગળાફાંસો ખાઈ લીધો હોઈ શકે. જો કે યુવાને ક્યા કારણસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું ન હોય અને પરિવારજનો પણ અજાણ હોય પોલીસ દ્વારા યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.