પહેલી ‘મેડ ઇન પાકિસ્તાન' ઇલેક્ટ્રિક કાર આપશે 210 કિમીની રેન્જ, પાડોશી દેશની 3 યુનિવર્સિટીએ મળીને બનાવી આ કાર - At This Time

પહેલી ‘મેડ ઇન પાકિસ્તાન’ ઇલેક્ટ્રિક કાર આપશે 210 કિમીની રેન્જ, પાડોશી દેશની 3 યુનિવર્સિટીએ મળીને બનાવી આ કાર


ભારતની ટાટા મોટર્સ કંપની દેશમાં ઇલેક્ટ્રિક કારનું સૌથી વધુ વેચાણ કરતી કંપની છે. બીજી તરફ મહિન્દ્રા પણ 8 સપ્ટેમ્બરે તેની પહેલી ઇલેક્ટ્રિક SUV XUV400 લોન્ચ કરશે. હવે પાકિસ્તાને પણ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં હાથ અજમાવવાનું શરૂ કરી દીધું છે. પડોશી દેશની 3 યુનિવર્સિટીઓએ યુએસ સ્થિત એનજીઓ સાથે મળીને પાકિસ્તાનની પહેલી ઇલેક્ટ્રિક કાર NUR-EV 75 રજૂ કરી છે. તેણે ગયા મહિને પાકિસ્તાનના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રથમ 'મેડ ઇન પાકિસ્તાન' ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી હતી. NUR-EV 75 સિંગલ ચાર્જ પર 210 કિલોમીટર સુધી ચાલશે.

NUR-EV 75 મોટો ફેરફાર લાવશે

પાકિસ્તાનમાં બનેલી પ્રથમ ઇલેક્ટ્રિક કાર NUR-EV 75 પડોશી દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રની બદલાતી તસવીર રજૂ કરે છે. પાકિસ્તાનનો ઇલેક્ટ્રિક કાર ઉદ્યોગ એટલો પોપ્યુલર નથી. પરંતુ પાકિસ્તાનની પહેલી ઇલેક્ટ્રિક કાર, NUR-EV 75ના આગમન પછી, પાકિસ્તાની કસ્ટમર ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળવાનું શરૂ કરી શકે છે.

યુએસ સ્થિત બિન-લાભકારી NGO DICE ફાઉન્ડેશન, પાકિસ્તાની યુનિવર્સિટી અને ત્યાંના ખાનગી ક્ષેત્રે મળીને સારા ભવિષ્ય માટે NUR-EV 75 ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. આ કાર 2024ના અંત સુધીમાં પાકિસ્તાનના લોકલ માર્કેટમાં દસ્તક આપશે.

3 પાકિસ્તાની યુનિવર્સિટીઓ બનાવી

ગયા મહિને પાકિસ્તાનની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે, NUR-EV 75ને પ્રથમ વખત લોકો માટે લાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર તેનું બેટરી પેક એનઈડી યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, કરાચી દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જ્યારે ચાર્જરને સર સૈયદ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ, કરાચી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. NUR-EV 75 નું આઉટર ભાગ નેશનલ કોલેજ ઓફ આર્ટસ, લાહોર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

NUR-EV 75: 5 ડોર-5 સીટર

NUR-EV 75 એ 5 ડોર 5 સીટર ઇલેક્ટ્રિક હેચબેક કાર છે. એકવાર ફૂલ ચાર્જ થયા પછી આ કાર 210 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને તેની ટોપ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક છે. NUR-EV 75ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના તમામ એલિમેન્ટ્સ પાકિસ્તાનની અંદર બનાવવામાં આવ્યા છે. જો કે, પાકિસ્તાનમાં ઘણી કાર બ્રાન્ડ ઇલેક્ટ્રિક કાર ઓફર કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.