શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે ચાનું ઉત્પાદન ઘટશે, ભારત કરી શકે છે ભરપાઈ
શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે ચાના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને ભારત ભરપાઈ કરી શકે છે. ટી એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ વાત કહી છે. TAIના જનરલ સેક્રેટરી પીકે ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ભારતીય ચાના બગીચાના માલિકો દ્વારા ઉત્પાદિત પરંપરાગત જાતોના ભાવમાં વધારો આ વાત સાબિત કરે છે. ચાની હરાજી પ્રક્રિયામાં લગભગ 75 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ કિલો સુધીનો ઝડપી વધારો થયો છે.
ભારત વાર્ષિક આશરે 110 થી 120 મિલિયન કિલોગ્રામ પરંપરાગત ચાનું ઉત્પાદન કરે છે જ્યારે શ્રીલંકામાં 300 મિલિયન કિલોગ્રામ છે. ભટ્ટાચાર્યએ કહ્યું કે, આર્થિક સંકટને કારણે શ્રીલંકાના પરંપરાગત ચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
TAI દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈ 2022 સુધીમાં, શ્રીલંકામાં પરંપરાગત ચાના ઉત્પાદનમાં 2021ના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 19 ટકાનો ઘટાડો થયો છે. મીડિયા સાથે વાત કરતા ભટ્ટાચાર્યએ કહ્યું છે કે, જો વર્તમાન સ્થિતિ ચાલુ રહેશે તો શ્રીલંકામાં પરંપરાગત ચાના ઉત્પાદનમાં લગભગ 100 મિલિયન કિલોગ્રામનો ઘટાડો થઈ શકે છે, જેની ભરપાઈ ભારતીય ઉત્પાદકો કરી શકે છે.
ભારતીય નિકાસકારો પણ UAE અને ઈરાનના બજારો સુધી પહોંચવામાં સફળ થયા છે જે મુખ્યત્વે પરંપરાગત ચાનો વપરાશ કરતા દેશો છે. TAIએ જણાવ્યું કે, જુલાઈ 2022 સુધી ભારતીય ચાની નિકાસમાં લગભગ નવ %નો વધારો થયો છે અને આ સમગ્ર વર્ષ દરમિયાન ચાની કુલ નિકાસ 200 મિલિયન કિલોગ્રામ સુધી થઈ શકે છે.
CIS દેશો પછી UAE ભારતીય ચાનો મુખ્ય ઉપભોક્તા છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન તેણે 15.86 મિલિયન કિલોગ્રામની આયાત કરી છે જે એક વર્ષ અગાઉના ગાળામાં 6.76 મિલિયન કિલો હતી. ટી બોર્ડના ડેટા અનુસાર, ઈરાને આ સમયગાળા દરમિયાન 11.43 મિલિયન કિલોગ્રામ ચાની આયાત કરી હતી જે 2021ના સમાન સમયગાળામાં 10.04 મિલિયન કિલોગ્રામ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.