ડિજિટલાઈઝેશનના આધારે 2047 સુધીમાં ભારત બનશે વિકસિત દેશ, નવા પડકારોનો સામનો કરી રહ્યું છે વિશ્વ : સીતારમણ
કોરોના રોગચાળામાંથી સાજા થયા પછી પણ વિશ્વ ઘણા નવા પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત પણ આમાંથી બાકાત નથી. 2047 સુધીમાં વિકસિત દેશ બનવા માટે ભારતે ઘણા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, PM મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. જો કે, આ ધ્યેય હાંસલ કરવા માટે ઘણી બધી વસ્તુઓને ફરીથી આકાર આપવી પડશે. ડિજીટાઈઝેશન, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આમાં સૌથી મહત્વપૂર્ણ સાધન છે. એટલે કે તેમના પરફોર્મન્સના આધારે આપણું વિકસિત દેશ બનવાનું સપનું પૂરું થશે.
ઈલારા કેપિટલ ઈવેન્ટમાં બોલતા, સીતારમણે કહ્યું કે, વિવિધ વૈશ્વિક પડકારો હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થા અન્ય મોટી અર્થવ્યવસ્થાઓની તુલનામાં સૌથી ઝડપી ગતિએ વિકાસના માર્ગે છે. આ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આગામી 25 વર્ષ સુધીના સુધારા અને વિકાસના પ્રશ્ન પર તેમણે કહ્યું કે ભારત જ્યારે આઝાદીની પ્રથમ સદીની ઉજવણી કરશે ત્યાં સુધીમાં આપણે ઘણી બધી બાબતોને ઠીક કરવી પડશે જેથી કરીને આપણે ત્યાં સુધીમાં વિકસિત દેશ બની શકીશું. દેશના અંતરિયાળ વિસ્તારો શહેરોથી અલગ ન રહે તે માટે સરકાર ડિજિટાઈઝેશન, શિક્ષણ અને વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહી છે.
ટેક્સ બેઝને વિસ્તારવા અંગે યોગ્ય નિર્ણય લેશે
ટેક્સ-જીડીપી રેશિયો વધારવાની સરકારની યોજના અંગેના પ્રશ્ન પર નાણાપ્રધાને કહ્યું કે ટેક્સ બેઝ વધારવો એ એક મુદ્દો છે જેના માટે ઘણી પરામર્શ અને વિશ્લેષણની જરૂર છે. પરંતુ, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ વધુ યોગ્ય રીતે અને ટેક્નોલોજીની મદદથી થશે. અત્યારે દેશમાં ટેક્સ-જીડીપી રેશિયો લગભગ 10 % છે. તેમણે કહ્યું કે આવકવેરા ફાઇલિંગની વધતી સંખ્યાને કારણે ટેક્સ બેઝના મામલે થોડી પ્રગતિ થવાની આશા છે.
સાર્વભૌમ બોન્ડ: ઇનફ્લો અપેક્ષા મુજબ નથી
વૈશ્વિક સૂચકાંકમાં ભારતીય બોન્ડના સમાવેશના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, રોગચાળા પછી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. ખાસ કરીને ભંડોળના પ્રવાહના કિસ્સામાં આવું થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં ભંડોળનો પ્રવાહ અપેક્ષા મુજબ રહ્યો નથી. જો કે, હું ટૂંક સમયમાં આના તાર્કિક નિષ્કર્ષની અપેક્ષા રાખું છું. નાણા પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોવરિન બોન્ડ્સ આ મહિનાની શરૂઆતમાં જેપી મોર્ગનના સરકારી બોન્ડ ઇન્ડેક્સ (ઇમર્જિંગ માર્કેટ્સ)નો ભાગ હોવાનું માનવામાં આવતું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.