રૈયાધારે પાણીના ખાડામાં ન્હાવા પડેલા 10 વર્ષના બે બાળકોના મોત
રાજકોટમાં આજે બપોરે એક કરૂણ બનાવ બન્યો હતો જેમાં વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડેલા 10 વર્ષના બે બાળકોનું ડૂબી જતા મોત થયું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવ નવી કોર્ટ પાછળ આવેલા પાણીના ખાડાનો હોવાનું જાણવા મળેલ હતું. આ બનાવથી વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે બપોરે ર વાગ્યે આસપાસ રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો નવી કોર્ટ પાછળ આવેલ વરસાદી પાણીના ખાડામાં ન્હાવા માટે ગયા હતા જેમાં બે મિત્રો ભીખુ મુન્નાભાઇ ભુંડીયા (ઉ.વ.10, રહે. રૈયાધાર, રંભામાની વાડી પાસે) અને મયુર વિજયભાઇ હળવદીયા (ઉ.વ.10, રહે. યોગરાજનગર, રૈયાધાર) પાણીના ખાડામાં ન્હાવા પડયા હતા.
પડતાની સાથે જ બંને ઉંડો ખાડો હોવાના કારણે ડૂબવા લાગ્યા હતા. જે જોઇ ત્રીજો મિત્ર કરણ વિજયભાઇ દેવીપૂજક ખાડાની બહાર જ ઉભો હતો. દરમ્યાન આ ત્રણે આસપાસના લોકોને જાણ કરી હતી. તેથી તુરંત રૈયાધાર વિસ્તારમાં રહેતા કેટલાક લોકો દોડી આવ્યા હતા અને ડૂબી ગયેલા ભીખુ અને મયુરને બહાર કાઢયા હતા.
જેમાં બંનેના સ્થળ પર જ મોત થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે. આ તરફ યુનિ. પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. શબવાહિની માટે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. પોલીસે સ્થળ પર જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ કરી હતી. આ બનાવથી રૈયાધારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.