ગોધરા સ્થિત બી.આર.જી.એફ ભવન ખાતે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

ગોધરા સ્થિત બી.આર.જી.એફ ભવન ખાતે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી


જિલ્લાના વયોવૃદ્ધ મતદાતા અને વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓનું પ્રશસ્તિપત્ર આપીને કરાયું સન્માન

રાષ્ટ્રભાવના સાથે લોકશાહીને મજબૂત કરવા માટે જે કર્મવીરોએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું તે સરાહનીય છે - નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી

ગોધરા
ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે દેશમાં 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ગોધરા શહેરના BRGF ભવન હોલ ખાતે કરવામાં આવી હતી, પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા તેમજ વિધાનસભા મતવિભાગના શ્રેષ્ઠ સુપરવાઈઝર અને બુથ લેવલ ઓફિસરનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા જિલ્લાના વયોવૃદ્ધ મતદારોનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું, તો મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા નોંધાયેલા મતદારોને EPIC કાર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના સમાપન પ્રસંગે મતદારોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રભાવના સાથે લોકશાહીને મજબૂત કરવા માટે જે કર્મવીરોએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું તે સરાહનીય છે.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નેહા ગુપ્તા,સર્વશ્રી પ્રાંત અધિકારીશ્રીઓ,ચૂંટણી દરમિયાન રોકાયેલ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon