મિલ્કત દસ્તાવેજ નોંધણી વધુ ફુલપ્રુફ: ખાસ ફોર્મ ઓનલાઈન ‘જનરેટ’ કરી જોડવું પડશે
રાજકોટ સહિત રાજયભરની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં હવે મિલ્કત દસ્તાવેજોની નોંધણી વધુ ફુલપ્રુફ બનાવી દેવામાં આવી છે. મિલકત દસ્તાવેજોની નોંધણી માટે અલગથી ખાસ ફોર્મ ઓનલાઈન જનરેટ કરી દસ્તાવેજના ડોકયુમેન્ટ સાથે જોડવું ફરજીયાત કરવામાં આવેલ છે.
રાજયના નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ દ્વારા આ અંગે ખાસ પરિપત્ર સબ રજીસ્ટ્રાર કચેરીઓને ઈશ્યુ કરી આગામી તા.1 એપ્રિલથી તેનું અમલીકરણ કરવા માટે આદેશ કરી દેવામાં આવેલ છે. મિલ્કત દસ્તાવેજ લખનાર-લખાવનારના ફોટોગ્રાફ, ફીંગરપ્રીન્ટ ઉપરાંત વધારાની પ્રક્રિયા હવેથી કરવી પડશે.
આ અંગેના પરિશિષ્ટનો નમૂનો પણ જાહેર કરી દેવામાં આવેલ છે. જે અંતર્ગત ગરવી વેબ મારફત ખાસ ફોર્મ જનરેટ કરીને જરૂરી વિગતો ભરીને દસ્તાવેજના ભાગ તરીકે ડોકયુમેન્ટ સાથે જોડવી પડશે. અહીં એ ઉલ્લેખનીય છે કે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલ્કતોની તબદીલી સંબંધીત નોંધણી થતા દસ્તાવેજોમાં તાજેતરમાં મુળ માલીકોને બદલે બેનામી માણસોને મિલ્કતના મૂળ માલીકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજની નોંધણી થયાની કેટલીક ઘટનાઓ ઉજાગર થવા પામી છે.
આવા બનાવટી અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતોના મુળ માલીકોને ન્યાયીક પ્રક્રિયાના નિવારણ માટે નાણા અને સમયનો વ્યય થાય છે જેથી આવા બોગસ અને બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સા નિવારવા તેમજ નિર્દોષ વ્યકિતઓ આવા બોગસ વ્યવહારોનો ભોગ ન બને તે માટે જરૂરી આદેશો નોંધણીસર નિરીક્ષક દ્વારા કરાયા છે.
કલમ 32-એ અનુસાર કોઈપણ દસ્તાવેજ રજુ કરતી વ્યકિતએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આંગળાની છાપ લગાવવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલ્કતની તબદીલીના લેખ સબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાડવાની જોગવાઈ કરવામાં આવેલ હતી.
જેના અનુસંધાને હવે નવા સુધારા કરવામાં આવેલ છે. જેમાં સ્થાવર મિલકતની તબદીલી સબંધી લેખોમાં લખી આપનાર અને લખાવી લેનાર એમ બન્ને પક્ષોના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા ફીંગરપ્રીન્ટ લગાવીને નિયત નમૂનાનું પરિશિષ્ટ (ફોર્મ) તૈયાર કરીને પક્ષકારે લેખ (દસ્તાવેજ) રજૂ કરવાના રહેશે. આ નમૂના મુજબનું પરિશિષ્ટ ગરવી વેબ મારફત પક્ષકારે જનરેટ કરી તેમા લાગુ પડતી બાબતોનું પૂર્તતા કરી દસ્તાવેજના ભાગ તરીકે રજૂ કરવાનો રહેશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.