ધંધામાં ખોટ અને બીમારીથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત
શહેરમાં પોપટપરા વિસ્તારમાં આવેલી રઘુનંદન સોસાયટીમાં રહેતા અને ફાયર સેફ્ટીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીએ ધંધામાં ખોટ જતાં અને બિમારીની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોપટપરા મેઈન રોડ પર આવેલી રઘુનંદન સોસાયટીમાં રહેતાં અને ફાયર સેફ્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા રવિભાઈ દિનેશભાઈ સાટીયા નામના 26 વર્ષનો યુવાન વેપારી પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રવિભાઈ સાટીયા બે ભાઈમાં મોટો અને અપરિણીત હતો. મૃતક રવિ સાટીયા ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલેશન કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. વેપારી યુવાને ધંધામાં ખોટ અને બિમારીની ચિંતામાં આત્મઘાતિ પગલુ ભર્યુર્ં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.