શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે પાવાગઢ-ચાંપાનેરના આંગણે ૮ મા તબક્કાના પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ
ભારતની ગૌરવમયી સંસ્કૃતિને દિપાવતો ઉત્સવ એટલે પંચમહોત્સવ
:-પ્રભારી મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર
ગુજરાતના પ્રખ્યાત લોકગાયીકા ગીતાબેન રબારીના મધુર અવાજે પંચમહાલવાસીઓને ઝૂમાવ્યા
વડાતળાવ ખાતે સર્જાયું નયનરમ્ય દ્ર્શ્ય: માતાજીની સામુહિક આરતી કરાઇ
પંચમહોત્સવના તમામ ગીતોનું વિશ્વના ૨૦૦ થી વધુ ડિજિટલ પ્લેટફોર્મ પર એકસાથે લોંચીન્ગ કરાયું
પંચમહાલ,
શુક્રવાર :- પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા "વર્લ્ડ હેરિટેજ સાઇટ" તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે પંચમહોત્સવ યોજાય છે.
જે અંતર્ગત ૮ મા તબક્કાના પંચમહોત્સવનું ગુજરાતના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના હસ્તે શાનદાર અને ભવ્ય પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પંચમહાલના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરએ રીબીન કાપીને પંચમહોત્સવને ખુલ્લો મુક્યો હતો અને મંત્રીશ્રી સાથે મહાનુભાવોએ ક્રાફટ બજાર, ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી તથા સિગ્નેચર બોર્ડમાં પંચમહોત્સવ અંગે પોતાના અભિપ્રાય લખ્યા હતા.
આ પ્રસંગે દિપ પ્રજ્જ્વલિત કરીને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરાવતા મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે પાવાગઢ એ હિન્દુ સંસ્કૃતિની આસ્થાનું સુપ્રસિદ્ધ કેન્દ્ર છે. ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર ખાતે પંચમહોત્સવ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વૈશ્વિક સ્થર પર પાવાગઢ પ્રવાસન તરીકે વિકસ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું હતુ કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૫૦૦ વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું હતું અને આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા કાલિકાના દર્શેને પવાગઢ આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ મધ્ય ગુજરાતમાં પ્રવાસનના પ્રખ્યાત કેન્દ્ર પૈકિના પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરનાં નવનિર્માણે પ્રવાસનના પ્રોત્સાહનમાં અગત્યની ભૂમિકા ભજવી છે. ચાંપાનેર પાવાગઢને સ્મારકોની ભૂમિ ગણાવતા ૩૮ સ્મારકોની વાત કરી હતી. યુનેસ્કો દ્વારા ૨૦૦૪ માં ચાંપાનેર પાવાગઢને વર્લ્ડ હેરિટેજ સ્થળ તરિકે જાહેર કરવામાં આવ્યું છે તેમ જણાવી તીર્થધામ પાવાગઢના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરીને કરેલા કામોનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં પહેલા અને બીજા તબક્કામાં પાવાગઢમાં વાયડનિંગ ઓફ પાથ-વૅ, ટોયલેટ બ્લૉક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલિયન, ચોક, ઓટલા, ફૂડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે કામ કરવામાં આવ્યાં છે. તેમજ પાથ વૅ અને પગથિયાંનું નિર્માણ પરિસરના વિસ્તૃતિકરણ કામગીરી તથ હયાત મંદિરનો વિસ્તાર ત્રણ સ્તરમાં વધારવાની હાથ ધરવામાં આવી હોવાનુ અને ત્રણેય સ્તર મળીને કુલ 2980 ચોરસ મીટરનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે તેમ જણાવ્યુ હતુ.
મંત્રીશ્રીએ સરકાર દ્વારા પાવાગઢના વિકાસના ત્રીજા તબક્કામાં રોપ-વે એક્સ્ટેન્શન, 5 હજારથી વધુ લોકો એકસાથે જમી શકે તે માટે અત્યાધુનિક ભવ્ય ભોજનાલયનું નિર્માણ, તે ઉપરાંત, રસ્તાની કામગીરી, તળેટી વિસ્તાર માંચી ચોકમાં ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, આરોગ્ય, પાણી, વીજળી, પોલીસ સુવિધા, ઓફિસ બ્લૉક, ચાચર ચૉકનું સ્ટોન ફ્લોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, ફાયર ફાઇટિંગ માટેની સુવિધાઓ, ડ્રેનેજ અને ઇલેક્ટ્રિફિકેશન વગેરે વિકાસ કામોની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનુ જણાવી પંચમહોત્સવના ભવ્ય આયોજન બદલ જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતાં.
આ તકે હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારએ જણાવ્યું હતું કે,રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાવાગઢના વિકાસને નવો ઓપ આપ્યા હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે રાજ્ય સરકારશ્રીની સિધ્ધિઓ અંગે વાત કરતા પાવાગઢથી માચી સુધીના ફોર લાઈન રસ્તો, વડા તળાવનો વિકાસ સહિતના વિવિધ વિકાસ કાર્યોની વિસ્તૃત વાત કરી હતી અને પંચમહોત્સવના સુંદર આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારે પંચમહોત્સવમાં ઉપસ્થિત મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર, ધારાસભ્યશ્રી અને તમામ મહાનુભાવો, પદાધિકારી-અધિકારી અને જિલ્લાવાસીઓનું સહર્ષ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તેમણે પંચમહોત્સવના આઠમા તબક્કાના આયોજન અંગે અને હેરિટેજ સાઇટ ચાંપાનેર અને પાવાગઢના મહત્વ વિશે વિસ્તૃત વાત કરી હતી.
પંચમહોત્સવના મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમની નિમિત્તે આયોજિત સંગીત સંધ્યામાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક ગીતાબેન રબારીએ તેમના તાલબદ્ધ અને સુરમયી મધુર સ્વરથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં અને તેમના મધુર અવાજે ગીતો સાંભળીને પંચમહાલવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરના હસ્તે અત્યારસુધીમાં યોજાયેલ પંચમહોત્સવના તમામ ગીતોનું વિશ્વના ૨૦૦ થી વધુ ડિજિટલ પ્લેટફોર્મ પર એકસાથે લોંચીન્ગ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા, મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, વન સરંક્ષક અધિકારીશ્રી એમ.એલ.મીણા, હાલોલ પ્રાંત અધિકારીશ્રી પ્રણય વિઠ્ઠાણી સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત મીડીયાકર્મીઓ અને મોટી સંખ્યામાં પંચમહાલવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ,વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.