રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તીના હસ્તે દિવ્યાંગ બાળકને દત્તક લેતું વિદેશી દંપતી.
રાજકોટ શહેર તા.૨૭/૨/૨૦૨૫ ના રોજ દરેક બાળકને વાલીના વાત્સલ્ય અને પ્રેમાળ પરિવારની ઝંખના હોય છે. અનાથ બાળકને પરિજનોની હુંફ પ્રાપ્ત થાય તો બાળકનું જીવન તો સુખમય બને જ છે, સાથે-સાથે ઘર પણ બાળકના કિલ્લોલથી ગુંજી ઉઠે છે. ત્યારે આવા જ કંઇક પ્રસંગની સાક્ષી રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરી બની હતી. વિદેશી દંપતીએ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તીના હસ્તે કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ આશ્રિત ૪ વર્ષના દિવ્યાંગ બાળકને દત્તક લીધું હતું. અમેરિકાના જ્યોર્જિયા સ્થિત યુવા દંપતીએ સ્પેશ્યાલાઈઝ્ડ ફોરેન એડોપ્શન એજન્સી મારફતે બાળકને દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ તકે વહીવટી તંત્ર તરફથી બાળકને યાદગીરી રૂપે રમકડાંની ભેટ આપવામાં આવી હતી. ત્યારે બાળક માતા-પિતા અને ઉપસ્થિત સ્ટાફના ચહેરા પર ખુશી છલકાતી હતી. મહત્વનું છે કે દંપતી બે સગા બાળકો અને એક દત્તક બાળક ધરાવે છે. આમ દંપતીએ ૩ બાળકો હોવા ઉપરાંત આ ચોથું શારીરિક-માનસિક ખામી ધરાવતું બાળક દત્તક લઈને સમાજને આદર્શ રાહ ચીંધ્યો છે. આ આદર્શ માર્ગ પર ચાલીને માતા-પિતા અને બાળક જીવનભર એકબીજાનો સહારો બની શકે છે. આ અવસરે પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તીએ બાળકને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીને દંપતીનો આભાર માન્યો હતો તેમજ આ ઉમદા કાર્ય સ્વહસ્તે થયું હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમજ માતા-પિતાએ દિવ્યાંગ બાળકને વિદેશમાં ઉત્તમ સારવાર કરાવવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અનાથ બાળકોનું પારિવારિક પુન:સ્થાપન કરવાની દિશામાં કટિબદ્ધ છે. જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમાર દ્વારા બાળકને દત્તક આપવા અંગે કેસ ચલાવવામાં આવ્યો હતો. આમ, વહીવટી તંત્રના પ્રયાસોથી અનાથ બાળકને માતાની મમતા અને પિતાની છત્રછાયા તેમજ ભાઈ-બહેન સહિતનો પરિવાર મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંતોષભાઈ રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અલ્પેશભાઈ ગોસ્વામી, પ્રોટેક્શન ઓફિસર પંકજભાઈ દૂધરેજીયા, કાઠીયાવાડ બાલશ્રમ સંસ્થાના જ્યોત્સનાબેન અજુડીયા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન પ્રિતેશભાઇ પોપટ, સભ્યો રમાબેન હેરભા અને રીનાબેન ભોજાણી, સ્પેશ્યાલાઈઝ્ડ ફોરેન એડોપ્શન એજન્સીના વિક્રમભાઈ નાયડુ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
